પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૨ જો
૧૩
સાર-શાકુંતલ

વનચરવૃત્તીએ પશુઓની પાછળ ફરવું એ તે શી ઘેલાઈ મૃગયાની. એથી કંઇજ લાભ નથી. મારે પણ તારી સાથે રખડી પશુઓ પાછળ દોડવું પડેછે તેથી હું ગાત્રભંગ થયો છું; માટે પ્રસાદ આપ કે એક દિવસ પણ છૂટો રહું ને વિસામો પામું.

રાજા— (સ્વગત) એ એમ બાલેછે ને કણ્વકન્યાને સ્મરણે મારું ચિત્ત પણ મૃગયા ઉપરથી ઉઠી ગયું છે ! વળી જેના સહવાસમાં પ્રિયા છે ને જેણે એને પોતાની પેઠે કુમળું કુમળું જોતાં શિખવ્યું છે તેના ઉપર મારાથી બાણ કેમ યોજાય !

વિદુ૦— (રાજાનું મુખ જોઈ) વયસ્ય તો કાંઈ હૈયામાં ગાંઠી વિચારે છે; હું બોલ્યો તે રાનમાંજ રડ્યો તો !

રાજા૦— ( હસીને) આ તું મિત્રનું વચન ઉથાપવું નહિ તેથી હું કંઈ બોલ્યો નહિ.

વિદુ૦— (સંતોષે) તો તું ચિરંજીવ રહે. (જવાનું કરે છે.)

રાજા૦— વયસ્ય ઉભો રહે, મારે કંઈ કહેવું છે તને, વિસામો લીધા પછી જેમા શ્રમ નહિ તેવા અમારા કામમાં તારે સહાય રહેવું.

વિદૂ૦— લાડુ ખાવામાં ?

રાજા— હું કહીશ. કોણ છેરે અહીં ?

પ્રતિહાર— (પ્રણામ કરી) કરીએ આજ્ઞા ભર્તા !

રાજા— સેનાપતિને બોલાવ.

પ્રતિ૦— આજ્ઞા.

સેનાપતિ— (આવતાં રાજાને જોતાં) દેખાતો દોષ છતે મૃગયાએ રવામીને ગુણ તો થયો છે ખરો.

ચાપતણા નિત ઘર્ષણથી થયું પૂર્વવપૂ બહુ કઠ્ઠણ એવા,
સૂર્યતણે અતિ તાપ સહે શ્રમલેશથકી પણ મ્લાન ન તેવા;
માંસ ઘટે પણ સ્નાયુ વધે રૂડું અંગવળ્યું કરવે વળિ હેવા,
દેવ દિસે બળશક્તિથિ દૃષ્ટિ કહૂં ગિરિયે ચરતા ગજ જેવા. ૨૭

(પાસે જઈ) જયતુ જયતુ સ્વામી ! ને આપતો અહીંજ બેસી રહ્યાછો.

રાજા— મૃગયાનિંદક માધવ્યે મારી હોંસ ઓછી કરી નાખી.

સેના૦— (વિદુષકને કાનમાં) સખા ! તું તારું બોલ્યું ફેરવીશ નહિ, હું સ્વામીની ચિત્તવૃત્તિને અનુસરીનેજ વર્તીશ. (પ્રગટ) દેવ ! એતો બકેછે રાંડીનો, પ્રભુ પોતાના ઉપરથીજ જોશે કે–