પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
અંક ૨ જો
સાર-શાકુંતલ

મેદ ઘટે કુશ પેટ થતે વપુ ચંચળ ને સબળુંજ : સ્હાયે,
ક્રોધભયાદિ વિકાર અરણ્યજ પ્રાણિતણા સહજે સમજાયે;
લક્ષ્ય ચળે નહિ બાણતણો ધનુધારિ યશે વધિ તે વખણાયે,
એ સરખો નથિ અન્ય વિનોદ વૃથા મૃગયા વળિ નિંદિત થાયે. ૨૮

વિદુ૦— હોંસીલો તું છે તો અને રાન રવડી માણસનાં નાકના લોભી કોઈ ઘરડાંઢોંચ રીંછના મોડામાં પડ, દાસીજણ્યા !

રાજા— ભદ્ર સેનાપતિ ! આશ્રમની પાસે છૈયે એટલા માટે તમારૂ બોલવું અમે માન્ય કરતા નથી.-

છો ભેંસો પડિ તે પછાડિ શિગડાં ડાળે તળાવે જળ,
ને ટોળે મળિ છાંયડે મૃગ ઠરી વાગોળતા રહે ખડ;
ને હારે રહિ ભૂંડ મોંથ ભચડે ખાબોચિયે નિર્ભયે.
ને ઢીલા ગુણબંધનું ધનુષ આ વિશ્રામ પામો હવે. ૨૯

તો જઈને રાનઘેરૂઓને નિવર્તિ પમાડો અને મારા કોઈ સેનિકો તપોવનને ઉપદ્રવ કરતા હોય તેને વારો.

સેના૦— જેમ સ્વામીની આજ્ઞા. (જાયછે)

રાજા— (યવનીઓ ભણી જોઈને) તમ સૌ હવે મૃગયાનો વેશ બદલી નાખો.

યવની— આજ્ઞા મહારાજ ! (જાય છે)

વિદુ૦— ઠીક કીધું, બણબણતી માખી પણ અહી રાખી નહિ; હવે પેલાં ઝાડને છાંયડે વેલાને માંડવે રમણીય એવાં ઉંચા આસન પર બેસવું એટલે હું પણ ક્ષણભર બેસીને વિસામો લઉં.

૨ાજા— તું ચાલ આગળ.

વિદુ૦— વયસ્ય તું પણ વહેલો આવ. (બને જઈ ઓટલીપર બેસે છે)

રાજા— સખા ! તું નેત્રનું ફળ પામ્યો નથી, તારે જોવાજોગ ઉત્તમ વસ્તુ તે તેં જોઈ જ નથી.

વિદુ૦— તેતો તું મારી આગળ છેજ.

રાજા— ખરું કે સહુ પોત પોતીકાંને સુંદર દેખેછે પણ હું તો આ આશ્રમને ભૂષણરૂપ જે શકુંતલા તેને વિષે બોલું છું.

વિદુ—(સ્વગત) હવે એને વધારે બોલવાને અવકાશ ન આપવો. (પ્રગટ) તે તપસ્વી કન્યાની માગણી તો થઈ શકવાની નથી, ત્યારે તેને જોયાથી શું ?

રાજા— ત્યાજ કરવા જેવી વસ્તુભણી પૌરવનું મન જતું જ નથી.