પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૩ જો
૨૫
સાર-શાકુંતલ


પ્રિયં૦— કેઈ વારૂ ?

અન૦— યજ્ઞકર્મ પૂરું થયે રાજર્ષિને ઋષિઓએ વળાવ્યો પણ હવે તે પોતાને નગરે જઈ અંતઃપુરનો સમાગમ કરતો થશે ત્યારે અહીંનું વૃત્તાંત તેને સાંભરશે કે નહિ ?

પ્રિયં૦— નિરાંતે રહેજે કેમકે એવા આકૃતિવિશેષપુરૂષ ગુણવિરૂદ્ધ આચરણ કરતા નથી;. પણ અલી મને તે આ ચિંતા થાયછે કે તાત તીર્થયાત્રા કરી આવ્યા છે તે શું કહેશે ?

અન૦ — મને તો લાગે છે કે અનુમોદન આપશેજ.

પ્રિયં૦— પૂજાના કામને જોઈએ તેટલાં તો ફૂલ ચૂંટાયાં.

અન૦— વારૂ, આપણે શકુંતલાની સૌભાગ્યદેવતાને બે ફૂલ ચઢાવી લેઈયે. (તેમ કરે છે.)

(પડદામાં ) આ હું હો!

અન૦— અલી ! અતિથિના જેવો શબ્દ સંભળાય છે.

પ્રિયં૦— કૂટીમાં શકુંતલા છેજ.

અન૦— હા, પણ આજ તેના ચિત્તનું ઠેકાણું ક્યાં છે ? બહુ ફૂલ છે, ચાલ હવે.

(પડદામાં ) અનર્થ ! અતિથિનો અનાદર કરનારી ?

વિચિંતેછ જેને અનન્યે મને તૂં,
ન જાણે તપસ્વી ઉભો આંગણે હૂં;
ન સંભારશે તે દિધે બોધ સદ્ય,
કહ્યું પૂર્વનું જેમ પીધેલ મદ્ય. ૬૦

સખીઓ— (સાંભળી ખિન્ન થાય છે.)

પ્રિયં૦— ધિક્ ધિક્, ખરે માઠું થયું, શૂન્યહૃદયશકુંતલાથી કોઈ પૂજ્યનો અનાદર થયો -(આગળ ચાલી જઈ) કોઈ જેવા તેવાનો નહિ પણ તત્કાળ ક્રોધ કરે તેવા દુર્વાસા મહર્ષિનો ! શાપ દેઈ ચાલતા થયા.

અન૦— જા, વહેલી પગેપડી એને પાછા આણ. હું અર્ધ્યોદક કરી રાખું છું.

પ્રિયં૦— (જાય છે.)

અન૦— અરે, ઉતાવળે ચાલતાં તો હાથમાંથી આ ફૂલની છાબ પડી ગઈ!

પ્રિયં૦— (પાછી આવી) અલી ! પ્રકૃતિયેજ આડા તે વળી કોઈની પ્રાર્થના સાંભળે ? પણ પછી કાંઈક દયા કીધી.