પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
અંક ૪ થો
સાર-શાકુંતલ


અનo— શું કહ્યું?

પ્રિયં૦— બોલ્યા કે મારૂં વચન અન્યથા થનારૂં નથી પણ વળી કહું છું કે ઓળખનું ઘરેણું તે જોશે કે તારી સખી શાપથી મુક્ત થશે.

અન૦— હવે જીવ હેઠો બેઠો; નચિંત રહેવું શકય છે. તે રાજર્ષિયે જતીવેળા નામાંકિત મુદ્રિકા સ્મરણને માટે શકુંતલાને પોતેજ પહેરાવી છે તે શકુંતલાની કને ઉપાય છેજ.

પ્રિયં૦— ચાલ હવે દેવકાર્યને જઈએ. (આગળ જઈ) સખી ! જો ડાબા હાથ પર મુખ ટેકવી ચિત્ર સરખી બેઠેલી છે, એને પોતાનુંજ ભાન નથી તો પછી અતિથિનું શેનું હોય !

અન૦— આ વાત આપણે બેએજ હૈયામાં રાખવાની છે; પ્રકૃતિયે કોમળ એવી પ્રિયસખીનું રક્ષણ કરવું.

પ્રિયં૦— કુમળી મલ્લિકા ઉપર ઊનું પાણી રેડે એવું તે કોણ હોય ?

( બન્ને જાયછે )




અંક ૪ થો
( ઊંધમાંથી જાગી ઉઠેલા કણ્વ ઋષિનો શિષ્ય આવે છે )

શિષ્ય— પ્રવાસ કરી આવેલા ગુરૂ કણ્વે કેટલી રાત્રિ રહી છે તે જોવાની આજ્ઞા કરી છે તો જોઉ. (અહીં તહીં ફરી ઊંચે જોઈ ) રે વહાણું વાયુંછે !

આ તો પ્રભાત થયું દીસે ને રંગ દિશાનો ફરતો રે.–ટેક.
આ પાસાં તો અસ્તશિખરે ઔષધિપતિ ઉતરતો રે;
આપાસાં વળી સૂર્ય ઉગે તે અરુણને આગળ કરતો રે. –આતો૦
જુગલરૂપ એ તેજબિંબના અસ્તઉદયથી ઠરતો રે,
નિયમ લોક વહેવારનો જાણે દશાંતરે અનુસરતો રે. -આતો ૦ ૬૧

ચંદ્ર જાવે કુમુદ સ્મરણશોભા ધરે ના દિયે દૃષ્ટિને મોદ કોએ;
પ્રીતમ પ્રવાસનાં અબળ સ્ત્રીજનને દુસ્સહાં દુ:ખ અતિશેજ હોએ. ૬૨

અન૦— (પડદો ખસેડી-સ્વગત) વિષયની વાતથી દૂર છું, પણ આટલું તો સમજું છું કે તે રાજા શકુંતલા પ્રતિ અનાર્યપણે વર્ત્તે છે.

શિષ્ય— હવે હોમની વેળા થઈ તે ગુરુને જણાવું

(જાયછે )