પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૪ થો.
૨૭
સાર-શાકુંતલ

અન૦— વહાણું વાયું, હવે વહેલી ઉઠું; રે ઉઠીને ૫ણ કરવાની શું હતી ? પ્રભાતે કરવાનાં કામ તેને માટે હાથપગતો લાંબા થતા નથી. જે મદને અપ્રમાણિક રાજા ઉપર શુદ્ધહૃદયની પ્રિયસખીનો વિશ્વાસ બેસાડ્યો તેની તૃપ્તિ થાઓ ! અથવા, તે રાજર્ષિનો અ૫રાધ નથી; દુર્વાસાનો શાપજ તેને પીડે છે,- એમ ન હોય તો જેણે એવી રીતે વિવેક દાખવેલો તે આટલા દિવસ થયા પત્રપણ ન મોકલે ? (વિચારે છે) ઓળખને માટે મુદ્રિકા મોકલાવૃં, પણ એને માટે દેહકષ્ટકર્ત્તા આ તપસ્વીઓમાંથી કોને કહું ? વળી સખીનો દોષ એમ માની બેસી રહેવું, એ ઠીક નહિ વારૂ, એનો તાત પ્રવાસમાંથી અમણાજ અાવ્યો છે તેને મારાથી કહેવાશે નહિ કે એણે દુષ્યંત રાજા સાથે ગાંધર્વવિવાહ કરી ગર્ભને ધારણ કીધો છે; તો હવે શું કરવું?

પ્રિયં૦— (વહેલી વહેલી આવી હરખમાં) અનસૂયા ! વહેલી થા વહેલી થા શકુંતલાનું પ્રયાણમંગળ કરવાને.

અન૦— (વિસ્મયે) અલી ! એ તું શું કહે છે ? કેમ થયું ?

પ્રિયં૦— સાંભળ; નિરાંતે ઊંઘ આવી કે નહિ તે પુછવાને હું સખી પાસે ગઈ હતી.

અન૦— પછી પછી ?

પ્રિય૦— એ લજ્જાએ નીચું ઘાલી બેઠેલી તેટલે તાત કણ્વે આવી અભિનંદન કીધું કે “વત્સે ! સારાં ભાગ્યે, યજમાનની દૃષ્ટિ ધૂમાડાથી રૂંધાયલી છતે તેની આપેલી આહુતી સીધી અગ્નિનાં મુખમાંજ પડી ગઈ. તારે માટે મારે ખેદ કરવાનું નથી, સુપાત્ર શિષ્યને આપેલી વિદ્યા તેમ; તો આજે જ હું તુને ઋષિયોની સંભાળમાં તારા ભર્તાકને મોકલી દેઉછું, ”

અન૦— સખી ! તાતને એ વાત કોણે કહી ?

પ્રિયં૦— તાતે હોમશાળામાં પ્રવેશ કીધો કે શરીરવિનાની છંદયુક્ત વાણી થઈ.

અન૦— કેવી તે ?

પ્રિયંo— સાંભળ-

દુષ્યંતે તેજ અર્ચ્યુ છે જનકલ્યાણકારણ,
કન્યાને અગ્નિગર્ભા એ શમી છે જાણ બ્રાહ્મણ ! ૬૩