પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
શાકુંતલ


(ઋષિકુમાર અલંકાર લેઈ આવેછે. )

–(બેઉ સખીઓને) આ પુષ્કળ આભરણ છે, આયુષ્યમતિને પહેરાવો.

(સૌ જોઈ વિસ્મિત થાયછે.)

ગૌતમી— વત્સ નારદ ! એ ક્યાંથી આણ્યાં ?

નારદ— તાત કણ્વને પ્રભાવે.

ગૌતમી— માયાસિદ્ધિયે ઉત્પન્ન કીધાં શું ?

હારિત— ના; તાતની આજ્ઞાએ શકુંતલાને માટે વનસ્પતીઓ ઉપરથી પુષ્પ અાણવા ગયા તો,

કો વૃક્ષે દિધું ક્ષેમ ચંદ્ર સરખૂં ધોળું સુમાંગલ્ય એ,
ને લાક્ષારસ રંગવા ચરણને દાખ્યો ઝડ્યો કોઈએ;
બીજાએ, નિજ અંકુરોથિ અધિકાં શોભંત કાંડાંલગે,
દેખાતે વનદેવતા કરતળે આપ્યાં બિજાં તે જગે. ૬૪

પ્રિયં૦— (શકુંતલાને જોઈ) વૃક્ષથકી જે અા લાભ થયો તે સૂચવેછે કે તારા પતિને ઘેર રાજ્યલક્ષ્મીનો તું ભોગ કરીશ.

શકું૦— (લાજ પામે છે).

હારિત— (નારદને) ચાલ, ગુરુને જાણ કરીએ કે વનસ્પતીએ આ સેવા કરી છે.

( બંને જાય છે. )

નારદ— ચાલો.

સખીઓ— સખી ! ઘરેણાં પહેરાવવાનો અનુભવ નહિ એવી અમે તુને કેમ સણગારી શું ? ચિત્રના પરિચયથી તુને પહેરાવિયે છીએ.

શકું૦— જાણુંછું તમારી નિપુણતા, સખીઓ !

(સખીઓ ઘરેણાં પહેરાવે છે એટલે તરત સ્નાન કરી રહેલો કણ્વ આવેછે.)

કણ્વ— (શકુંતલાની સામું જોઈ.)

જાયે આજ શકુંતલા હૃદય તો ભીડાયું ખેદે ભર્‌યું,
બેઠો બાષ્પથિ કંઠ ને જડપણૂં ચિંતાથિ અાંખે ધર્‌યું;
મોટું આવું અરણ્યવાસિ મુજને જો દુઃખ નેહે હવૂં,
થાયે પુત્રિવિયોગનૂં ગૃહિણને કાં ના વિશેષે નવૂં. ૬૫

(અહીં તહીં ફરે છે.)


સખીઓ— બેન શકુંતલા ! ઘરેણાં પહેરાવી રહ્યાં; હવે આ ક્ષોમયુગલ પહેર.

(શકુંતલા ઉઠીને પહેરે છે.)


ગૌતમી— બેટા ! આનંદનાં આંસુ આંખમાં ને ભેટવાને ઉત્સુક એવા તારા તાત પાસે ઊભા છે તેને આચાર અર્પણ કર.