પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
અંક ૫ મો
સાર-શાકુંતલ

મારી વૃદ્ધાવસ્થામાં મારગ ટેકવાને કામ આવેછે; હશે ! રાજાનાં ધર્મકાર્ય વેળાનાં વેળાએ થવાં જોઈએ; પણ અમણાજ તે કામ આટોપી ન્યાયાસનથી ઊઠ્યા છે તો કણ્વના શિષ્ય આવ્યા છે એ જણાવવું ઠીક નહિ; પણ વળી પ્રજા રક્ષણનાં કામમાં વિશ્રાંતિ ક્યાંથી મળનારી છે ? ને મારે મારૂં કામ કરવું જોઈએ; આ અહીં બેઠા છે દેવ.–

સંતાન પઠે પાળી પ્રજા, એકાંતે વિશ્રામ,
લે ગજ જુથ કરિ ચારતૂં, શેાધી શીળું ઠામ. ૮૪

(પાસે જઈ) જય જય દેવ ! હિમાલયના અરણ્યમાં વાસ કરનારા તપસ્વી કણ્વનો સંદેશો લેઈ કોઈ બ્રાહ્મણો એક સ્ત્રી સાથે આવ્યા છે, આ સાંભળી દેવે ઉચિત તે કરવું.

રાજા— (સાદરે) શું તેઓ કાશ્યપનો સંદેશો લાવનારા છે ?

કંચુકી— હા દેવ !

રાજા— તો તું પુરોહિતને જઈને કહે કે ઋષિયોને વેદોક્ત પ્રકારે સત્કાર કરી પોતેજ તેઓને પ્રવેશ કરાવે, હું પણ તપસ્વીનાં દર્શન લેવાને ઘટતે ઠેકાણે જઈ બેસું છું.

કંચુકી— દેવની આજ્ઞા. (જાય છે.)

રાજા— (ઉઠીને) વેત્રવંતી ! હોમશાળા ભણી ચાલ.

વેત્રવંતી— અામ અામ, દેવ !

રાજા— (સ્વગત-ચાલતા) સર્વ જંતુ ઇછેલી વસ્તુ પામી સુખી થાય છે પણ રાજાને તો જેમ જેમ ઇચ્છા પૂર્ણ થાય તેમ તેમ દુ:ખ પણ વધે છે.

પ્રાપ્તિ અર્થની તેતો ઇચ્છા વધેલિ માત્ર સમાવે,
પ્રાપ્તિનું પાલણ કરવું તેજ કહું ક્લેશ અતીશ કરાવે;
શ્રમને પમાડ્યા વિના ન ટાળે અતિશ્રમ જેથી એવૂં
રાજ્ય, ધરેલો હાથે દાંડો હોય છત્ર વળિ જેવૂં. ૮૫

વૈતાલિક—(પડદામાં)

તજિ નિજ સુખ ઇચ્છા વેઠતા લોક અર્થે,
શ્રમ પ્રતિ દિન એવી વૃત્તિતો છે સમર્થે;
શિર ઉપર સહંતો વૃક્ષ તો ઉષ્ણ તીવ્ર,
શરણ જનતણો છાયે હરે તાપ શીઘ્ર. ૮૬

રાજા—(સ્વગત) મારા મનની વ્યગ્રતા ટળી ને સ્વસ્થ થયો.

(અહીં તહીં ફરેછે.)