પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૫ મો
૩૭
સાર-શાકુંતલ


વેત્ર૦— અમણાજ ધોઈ સ્વચ્છ કરી સાથિયા પૂરેલી ને પાસે ગાય બાંધી છે એવી હોમશાળાની ઓટલીપર ચઢી બેસો દેવ !

રાજા૦— (બેસીને) વેત્રવતી ! મુનિ કણ્વે શામાટે ઋષિયોને મારી કને મોકલ્યા હશે વારૂ ?

વેત્ર૦— દેવના ઉત્તમ ચરિત્રથી આનંદ પામેલા ઋષિયો આશીર્વાદ દેવાને આવ્યા હશે.

(શકુંતલાને આગળ કરી બાતમી સહિત કણ્વના શિષ્યો આવે છે પણ બધાની આગળ કંચુકી તથા પુરોહિત આવે છે.)

કંચુકી— આમ અામ, મહારાજો !

શારંગ૦— (સાથીને)

ખરૂં રાજા મોટો, રહિતમરજાદા નવ રહે,
પ્રજામાં નીચો તેપણ ભુલિ કુમાર્ગે નવ વહે;
તથાપી હું જેને, મનથિ નિત એકાંતજ ગમ્યૂં,
જનોની ભીડે અા, લહું છું ઘર આગે ફરિવળ્યૂં ૮૭

શારદ્વત૦— એમજ છે; પુરમાં પ્રવેશ કરતાં મને આમ લાગ્યું,-

નાહેલૂં મેલાંને, શુચિ તે અશુચિ પ્રબુદ્ધ ઉંઘતાંને,
છૂટૂં તે બાંધ્યાં ને, તેમજ જાણું વિષયસુખીઆને. ૮૮

શકું૦— (અપશકુન જેવું દેખાડી) રે કેમ મારી જમણી આંખ ફરકે છે ?

ગૌતમી— પુત્રિ ! તારૂં અમંગળ ટળે ને તારા ભર્તાની કુળદેવતાઓ તારૂં કલ્યાણ કરે.

પુરોહિત— અહો તપસ્વિયો ! વર્ણાશ્રમનું રક્ષણ કરનાર આ રાજા અમણાજ ધર્માસનેથી ઉઠેલો તમારી અપેક્ષા કરે છે તે જુઓ.

શારંગ૦— હે મહાબ્રાહ્મણ ! ખરે એ આનંદની વાત છે, પણ અમે તો અહીં મધ્યસ્થ જેવા છીએ, કેમકે,

વૃક્ષો નમે છે ફળભાર આવવે,
ઝૂમે વધૂ વાદળિઓ જળે નવે;
સમૃદ્ધિયે ઉદ્ધત સજ્જનો નહીં,
સ્વભાવ એવો ઉપકારિનો સહી. ૮૯

રાજા—(સ્વગત)

સ્ત્રી ઉપવસ્ત્ર થકી ઘુંઘટાળી, હેશે કોણ એ રે.–ટેક.
સુંદરતા પૂરી ન દિસંતી,
તપસ્વિયોની મધ્ય રહંતી;
પક્વ પીળાં પત્રોમાં છે અંકૂર પેરે -ની ઉ૫૦ ૯૦