પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૫ મો
૩૯
સાર-શાકુંતલ


શારંગ— એમ કેમ ? પોતે લોકવ્યવહાર સારીપેઠે જાણો છો.

હોયે સતી પતિ જીવતો ને પીહર માં વાસો કરે,
તે સ્ત્રીવિષે લોકો વળી વિપરીત શંકાઓ ધરે;
માટે પ્રિયા કે અપ્રિય પતિની પરંતુ જો રહે,
તે સાસરે તો બંધુજન નિશ્ચિંત રૂડૂં સહુ કહે ૯૪

રાજા— શું એ મારી પૂર્વે પરણેલી છે ?

શકું૦— (સ્વગત) રે હૃદય ! તારી શંકા અાગળ અાવી.

શારંગ૦— શું પૂર્વ કીધેલાના ધિક્કારમાં રાજાને ધર્મથી વિમુખ થવું ઘટે છે ?

રાજા— કેમ વારૂ દુષ્ટ આરોપે પ્રશ્ન પુછો છો?

શારંગ૦— ઘણું કરીને ઐશ્વર્યથી ઉન્મત થયલા લોકમાં એવા વિકાર રહે છે.

રાજા— (સક્રોધ) એ વચને તો વિશેષ દોષ મૂકો છે અમારા ઉપર.

ગૌતમી— બેટા ! મુહર્તભર તું લાજ મૂક, હું તારું ઓઢણ કાઢી લેઉછું કે તને તારો ભર્તા ઓળખે. (એમ કરે છે)

રાજા— (શકુંતલાને જોઈ -સ્વગત) —

સરસ સરળ કાંતી રૂપ આવું સુહાયે,
પ્રથમ હું પરણેલો કે ન નિશ્ચે ન થાયે;
મધુકર જિમ વહાણે કુંદ ઓસેભર્‌યાંને,
નહિ સમરથ લેવે ભેાગ કે ત્યાજવાને. ૯૫

વેત્ર૦— ઓહો રાજાની ધર્મ ઉપર કેવી દૃષ્ટિ છે ! અનાયાસે પ્રાપ્ત થયલું સુંદર રૂપ જોઈને બીજો કોણ વિચાર કરે ?

શારંગ— હે રાજા ! કેમ આમ મૌન ધરી બેસાય છે ?

રાજા— મહારાજો ! ચિંતવન કરૂંછું; પણ એનો મેં સ્વીકાર કીધો હોય એવું મને સાંભરતું નથી. તો એ સ્પષ્ટ દીસતી ગર્ભિણીનો અંગિકાર શંકા છતે હું કેમ કરૂં ?

શકું— (સ્વગત-એક કોરે મોડું રાખી) આર્યને પરણ્યાનોજ સંશય છે તો હવે વધીગયલી મારી આશાએ શું ?

શારંગ૦— શું ? પોતાની કન્યાપ્રતિ કીધેલા અપરાધને અનુમોદન આપેછે – ચોરીનું દ્રવ્ય ચોર પાસે રહેવા દેછે તે મુનિની તું અવજ્ઞા કરેછે ?