પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૫ મો
૪૧
સાર-શાકુંતલ

ત્યારે તેણે પતીજ પડેથી પીધું ને તે વેળા તમે હસીને નોતા બોલ્યા કે સૌને પોતાના સંબંધીનો વિશ્વાસ પડે છે ? તમે બેઉ અરણ્યના રહેનારાં છો.

રાજા— એમજ સ્વકાર્ય સાધવે પ્રવીણ સ્ત્રિયોનાં અસત્ય પણ મધુર ભાષણે વિષયીજન લોભાઈ જાયછે.

ગૌતમી— મહાભાગ ! એમ બોલવું યોગ્ય નથી; તપોવનમાં ઉછરેલું જન કપટથી અજાણ હોયછે.

રાજા— હે વૃધ્ધતાપસી !

મનુષ્ય નહિ તેવી સ્ત્રીમાં પણ કપટ હોય સ્વભાવેજી,
બુદ્ધિવાળી શીખેલી તે કાં ન વિશેષ બતાવે–
માજી મ માણિશ માઠું જી.
અંતરિક્ષે ઉડવાની પહેલાં કોએલ નિજ બચ્ચાંનેજી,
અવર પક્ષી પાસે ઉછરાવે એ પોતાનાં માને –
માજી મ માણિશ માઠું જી. ૯૭

શકું૦— (ક્રોધે) અનાર્ય ! તું પોતાના હૃદય પ્રમાણે સર્વેને જોય છે? કોણ બીજો, ધર્મનો વેષ રાખનારો પણ તૃણથી ઢંકાયેલા કૂપ જેવો તારી પેઠે વર્ત્તશે ?

રાજા— (સ્વગત) સંશયબુદ્ધિ હુંને એનો કોપ કપટરહિત જણાય છે. (પ્રગટ) ભદ્રે ! દુષ્યંતનું ચરિત પ્રસિદ્ધ છે. પણ તારૂં કહેવું મારા ધ્યાનમાં નથી આવતું.

શકું૦— ઠીક ઠીક,ત્યારે તે સ્વચ્છંદચારિણી કીધી મને ! પૂરુવંશને વિશ્વાસે મુખમાં મધ પણ હૃદયમાં વિષ એવાને હાથ હું પડી.

(મોડાપર છેડો નાખી રડે છે.)


શારંગ૦ — આમજ પોતે કરેલી પણ પાછી ન વારેલી ચપળતા બળેછે.

કરવો પારખી પૂછી સંગ અવશ્ય ગુપ્ત જે,
અજાણ હૃદયે થાએ આમજ વેરી મિત્ર તે. ૯૮

રાજા— અરે ઓ આ સ્ત્રીના ઉપર વિશ્વાસ રાખી દોષ એકઠા કરીને અમારાજ ઉપર મૂકો છો ?

શારંગ૦— (ક્રોધે) સાંભળી આ નીચને ઊંચને ઊંચને નીચ કરવાની નીતિ? જે જન્મથી કપટ શીખ્યું નથી તેનું ભાષણ અપ્રમાણ કરવું ને વિદ્યા છે એમ ભાવ રાખી છેતરવાની યુક્તિતિ લોકને શિખવે જે તેને સત્યવાદી ગણવો !