પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૭ મો
૫૫
સાર-શાકુંતલ


રાજા— (સ્વગત) શું એનું ને મારું એકજ કુળ ? માટેજ મારા સરખી કાંતિ એની તાપસીને લાગે છે. પૌરવોનું છેલ્લું કુળવ્રત એજ છે, રાજ્ય કર્યા પછી અંતે તપશ્વર્યા કરવી. (પ્રગટ) આ પ્રદેશમાં મનુષ્યે પોતાની બુદ્ધિયે તો આવવું કઠિણ છે.

તાપસી— ભદ્ર મુખ કહેછે તેમજ છે. આસરાને સંબંધે આ બાળકની જનની અહીં દેવગુરૂના તપોવનમાં પ્રસુતા થઈ.

રાજા— (સ્વગત) હાસ ! આશા ધરવાનું આ બીજું કારણ (પ્રગટ) એની મા કીઆ રાજર્ષિની પત્ની છે વારૂ ?

તાપસી— ધર્મપત્નીનો ત્યાગ કરનારનું નામ કહેવાને કોણ મન કરશે ?

રાજા— (સ્વગત) ખરે શું મને ઉદ્દેશીને બોલે છે ? અા બાળકની માનું નામ પૂછું ત્યારે, પણ પરસ્ત્રીની પૂછપાછ કરવી એ શિષ્ટની રીતિથી ઉલટું છે.

(માટીનો મોર લેઈ તાપસી આવે છે.)

તાપસી— સર્વદમન ! જો શકુંતલાવણ્ય.

બાળક— ક્યાં મારી જી ?

તાપસી ૧— સરખે નામે વત્સ છેતરાયો.

તાપસી ૨— વાસ ! અા મટોડાંનાં મોરનું સૌંદર્ય જો એમ મેં કહ્યું.

રાજા— (સ્વગત) શું એની માનું નામ શકુંતલા છે ? કે એકના નામ સરખું બીજાનું હોય છે ? માત્ર નામ સાંભળવાથી મૃગજળની પેઠે ખેદ કરવાનું છે.

બાળક— માતા ! એ સુંદર મોર મને ગમે છે. (હાથમાં લે છે)

તાપસી— (ગાભરી) અરે રક્ષાનો દોરો ?

રાજા— સિંહબાળકને મર્દન કરતાં પડી ગયો હશે.(લેવાને જાય છે)

તાપસીઓ— હાં હાં ઉપાડશો મા, ઉપાડશો મા; અરે એણે દોરો ઉપાડ્યો ! ( ચકિત થઈ છાતીપર હાથ મુકી એકકના સામું જોય છે)

રાજા— કેમ મને વારી રાખતાં હતાં ?

તાપસી ૧— સાંભળો, મહારાજ ! એ અપરાજિતા નામની વનસ્પતી છે; દોરો જન્મસંસ્કાર કરતી વેળા ભગવાન કશ્યપે બાંધ્યો હતો. એને ભૂમિયે પડેલો માતા કે પિતા કે પોતે એ વિના બીજું કોઈ ઉપાડે નહિ.

રાજા— ને ઉપાડે તો ?