હજી સુધી સાંભરતી હતી અને પોતાના ઘરમાં કોઈને એવું ન થાય માટે જ તે બહુ સાવચેત રહેતો અને છોકરાં તથા ચાકરોને પણ સભ્યતા અને વિવેકની રીતમાં તેણે કેળવી મુક્યાં હતાં. બુદ્ધિધનની જોડે નવીનચંદ્રનો પાટલો નંખાતો. પંક્તિભેદ રજ પણ થતો નહીં. અને અથડાતા ભમતા વટેમાર્ગુ જેવા અતિથિ જોડે શુદ્ધ મનથી વાણીથી અને કર્મથી સમાનભાવ રાખી સુવર્ણપુરના મહારાજાને પ્રિય બુદ્ધિશાળી અમાત્ય રસભેર વાતો કરતો અને ન બોલતાને બોલાવી ચર્ચા ચલાવતો, અને તે ચર્ચામાં બુદ્ધિનું અભિમાન લેશ પણ દેખાતું ન હતું.. જમવાને પ્રસંગે સાથે જમવા બેઠેલો પ્રમાદધન અતિથિને હઠહઠ કરતો, અને તેની સગવડની સંભાળ રાખતો. સૌભાગ્યદેવી, અલકકિશોરી, અને કુમુદસુંદરી ગુંચળું વળી જમનારની આગળ બેસતાં અને છાનાંમાનાં પાનની બીડીયો કરતાં.
શઠરાયને ઘેર બુદ્ધિધને જુદી જ જાતનો દેખાવ જોયલો હતો. ખલકનંદા અને રુપાળી ઘરમાં ધબ ધબ ચાલે, દોડાદેાડ કરે, હોંકારા પાડે, અને ચાકરોની સાથે ઘડીમાં હસે અને ઘડીમાં તેમને છડકા કરે. પઈસો ઘણો હોવાથી શરીર પર ઘરેણા ઘણાં રાખે અને તેથી વધારે છાક રાખે પણ એટલામાં જ તેમનાં મ્હોટાપણાની સીમા આવી રહેતી. ઘરની સંભાળ રાખવી કે ત્રેવડ કરવી તેનું કોઈને ભાન નહી. માથે લુગડું હોડવાની તો બાધા. એક બે લટીયાં ઉડતા ન હોય તો ભાગ્યશાળી. ભલું હોય તો વાંસો ઉઘાડો હોય કે ભલું હોય તો કમખો પ્હેર્યો ન હોય. ચણીયા પ્હેરવાથી શ્રમ લાગતો અને ઉઠતાં બેસતાં પ્હેરેલું લુગડું કેમ રહે છે તેની જાતે સરત રાખવાની ટેવ ન હતી અને પરભાર્યાને યાદ આપવાની જરુર ન રહેતી અથવા જરુર લાગે તો આવી બાબતમાં બઈરામાણસને મ્હોંયે કહેતાં શરમ આવતી. ઘંરના પુરુષો પારકાં બઈરાંની ચેષ્ટા કરતા પણ પોતાના ઘરમાં જોતા ન હતા. એમાંથી પરિણામ એ થયું હતું કે ઘરમાં આવનાર જનાર લાગ મળ્યે બઈરા સાથે અણઘટતો પરિચય લેતા. બુદ્ધિધને આ સઉ જોયું હતું, કંટાળો આવ્યો હતો, અને પોતાના ઘરમાં એવું ન થાય તે સારું ખાસ ચટ અને ચેવટ રાખતો હતો. એની નાતમાં દેખીતો ઘુંઘટો તાણવાનો ચાલ તો ન હતો પરંતુ પરભાર્યો મ્હોટાં માણસો આવે ત્યારે સ્ત્રીયો સંતાઈ રહેવા જેવું કરતી. નવીનચંદ્ર મ્હોટાં માણસમાં ગણાતો ન હતો અને પોતાની નાતનો એટલે એ જમતો હોય તે વખત કોઈ એની શરમ ન પાળતાં પણ ચાલતા સુધી તેના દેખતાં વાતોમાં ભાગ ન્હોતાં લેતાં.