બેઠી હતી અને ગામ ગપાટા હાંકતી હતી. વૃદ્ધ થયેલા દયાશંકરની સ્ત્રી ડોશી થયલાં 'જમનાકાકી' સોભાગ્યદેવીની પાસે બેસી તાપતાં તાપતાં ધીમે સાદે વાતો કરતાં હતાં. અમાત્ય આવ્યાની પ્રમાદધનને ખબર કરી એટલે સઉ મંડળ વેરાઈ ગયું અને માત્ર ઘરનાં જ માણસ રહ્યાં. અલકકિશોરી પાટ ઉપરથી ઉઠી અને ત્યાં પ્રમાદધન બેઠો તથા બાજુએ નવીનચંદ્ર બેઠો.
કુમુદસુંદરી ભણી પુરુષોની પીઠ હતી. અલકકિશોરી ભાભી પાસે જઈ સોડમાં ઉભી, હળવે રહી તેને બે ભુજ ભરી ડાબી અને કાનમાં કહ્યું. "હાશ, હવે હુંફ વળી. ભાભી, તમારા શરીરમાં ગરમાવો તો ઠીક ર્હે છે– શીયાળાની રાતમાં." કુમુદસુંદરીયે મ્હોં મલકાવ્યું અને અલકકિશોરી બાથ છોડી છુટી ઉભી રહી. કુમુદસુંદરીને નવીનચંદ્રને જોતાં ઉપજતો ક્ષોભ દિવસે દિવસે ઓછો થતો હતો.
બુદ્ધિધન અાવ્યો.પાટલા નંખાયા. સઉ જમ્યાં. જમતી વખત પ્રમાદધને નવીનચંદ્રના 'આર્ટિકલ'ની વાત કરી. બુદ્ધિધન ક્હે, “હા, એ મ્હેં જાણ્યું. સાહેબના શીરસ્તેદાર અાવ્યા છે તેમણે એ વાંચ્યું અને વખાણ્યું. ઠીક લખ્યું છે. નવીનચંદ્ર, તમારે બધી જાતનો અનુભવ જોઈતો હોય તો અત્રે રહો. અમારે એક ઇંગ્રેજી લખનાર જોઈએ છીયે. જો અનુકૂળ પડશે તો રાણાજીને કહીશું પ્રસંગ આવ્યે.”
સઉ જમી રહ્યાં. રાત ઘણી ગઈ હતી. નવીનચંદ્રને અમાત્યને ઘેર સુવાનું ઠર્યું અને પ્રમાદધનને બેસવાના દીવાનખાનામાં પથારી થઈ. તે સુતો. જોડના દીવાનખાનામાં બુદ્ધિધન અને પ્રમાદધન ગયા. અલકકિશોરી રાત વીતી હતી એટલે સાસરે ન ગઈ અને માએ તથા ભાભીએ શીખામણ દીધી કે 'સાસરે ના ક્હાવ.' પણ 'ના શું ક્હાવવી છે ? જાણશેસ્તો' કરી ના કહાવ્યું. પ્રમાદધનને સુવાને વાર હતી એટલે નણંદ ભોજાઈ સગડી કરાવી ગપાટા મારવા બેઠાં.
બુદ્ધિધનને આજ કાંઈક અસાધારણ બનાવો સાંભળવાનો દિવસ હતો. બાપ દીકરો દીવાનખાનામાં જઈને બેઠા.
“પિતાજી, શઠરાયના તરફના સમાચાર સાંભળ્યા ?”
“મને લાગે છે કે આપણી વાત કાંઈક ફુટી છે. કોના તરફથી ફુટી છે અને કેઈ રીતે તે જોવાનું છે.”
એવામાં વરધી મંગાવી અંદર એક સીપાઈના વેશવાળો આવ્યો. તે