પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮પ

નરભેરામ હતો. એ શઠરાયનું માણસ થઈ રહ્યો હતો પરંતુ અંદરથી બુદ્ધિધનના પક્ષમાં હતો. બાપદીકરા સામે તે બેઠો.

“બુદ્ધિધનભાઈ કામ વસમું થયું છે."

" શું ?”

“આજ સુધી તો આપનો અને રાણાનો સંબંધ શઠરાયને અંધારામાં રહ્યો. હાલમાં આપ બે જણ વારંવાર મળો છો અને રાણા શીકારે ગયા હતા ત્યારે રાજેશ્વર મહાદેવમાં મળ્યા હતા તે કારભારીને ખબર થઈ છે.”

“બસ ? એટલું જ કે?"

“વ્હેમવાળા માણસને દૂર કરવો એ એનો નિશ્ચય છે – એવી એને ટેવ છે.”

" તે ?"

“રાજબા અને આપની વચ્ચેના જુઠ્ઠા કાગળ ઉભા કર્યા છે. તે રાણાને બતાવવાના છે. ”

બુદ્ધિધન રાતો પીળો થયો. “એ બતાવવાનું કોણે માથે લીધું છે ?”

" રાણાના જુના ખવાસ મ્હાવાએ”

"ઠી–ક !"

“કાગળ લખ્યા છે મ્હેં. ” એમ કહી પંદર વીશ કાગળ અમાત્યના ખોળામાં નાંખ્યા.

"કયારે બતાવવાના છે ?"

“અાપ દરબારમાંથી પાછા ફરો તે પછી."

“મ્હારા હાથમાં રહેવા દ્યો. કાલ બાર વાગતે પાછા મોકલીશ.”

નરભેરામના ઉપર બુદ્ધિધનનો વિશ્વાસ હતો તે હવે સજડ થયો. ઘણાંક માણસો એણે દરબારમાં અને બીજે ઠેકાણે ઉઘાડાં અથવા છાનાં પોતાનાં કરી રાખ્યાં હતાં. પરંતુ થોડાકને જ કસી જોવાનો પ્રસંગ આવ્યો હતો. નરભેરામ કસોટીમાં શુદ્ધ નીકળ્યો અને અમાત્યનું અંતઃકરણ તેના ઉપર નવીન સ્નેહ અને ઉપકારથી સ્ફુરવા લાગ્યું. પરંતુ કાકા પરણ્યા અને ફોઈ રાંડ્યાં થયું. રાણાનો વિશ્વાસ રાખતાં સાવધાન ર્‌હેવાની જરુર લાગી. આજ સુધી તે પોતાનો છે એવું માનનાર અમાત્યને નક્કી લાગ્યું કે રાજબાની બાબત રાણાના મનમાં ભરાશે તો નીકળવી કઠણ થશે અને પોતાની સઉ યુક્તિયો, 'કાંતી પીંજી કપાસ' થશે. આજસુધી દરબારના ભેદ રાણો પોતે જ ઉઘાડતો, હવે રાણા પાસે પોતાનો