લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬

માણસ રાખવાની જરુર લાગી. પોતાનું માણસ કોણ? ગરબડદાસ? ના, નરભેરામ? હા. વળી રાણાપાસે રાખતાં નરભેરામે કરેલા ઉપકારનો બદલો પણ વળવાનો. અાખા આકાશમાં વીજળી પુષ્કળ ચમકારા કરતી ચાલી જાય તેમ એક પળમાં અમાત્યના મનમાં આ સર્વ વિચારનો ચમકાર થઈ રહ્યો. બીજી પણ ઘણીક ખટપટ સમજાતી ન હતી તેને મનમાં ખુલાસો થયો. યુદ્ધસામગ્રી તૈયાર કરી રાખી પણ સામાયે હુમલો કર્યા શિવાય પ્‍હેલો ઘા પોતે કરતાં શુદ્ધ અંત:કરણ આંચકો ખાતું હતું તે ટટાર થયું. સંશયકાળ જતો ર્‌હેતો લાગ્યો અને નિર્ણયકાળ દેારતો સમીપ આવ્યો લાગ્યો.

"નરભેરામ, હવે અણીનો સમય આવશે. અા કાગળ જોયા પછી રાણા શઠરાય પર વિશ્વાસ બતાવશે, મ્હારાપર કોપાયમાન દેખાશે, અને શઠરાયનું વિશ્વાસુ માણસ પોતાની પાસે રાખવા માગશે તે વખત એ ત્હારું નામ અાપે એમ કરવું. એ થાય એવું છેકની ?"

“હંમ્ થઈ શકશે. મ્હારા જેવું વિશ્વાસનું પાત્ર આજે એને કોણ છે ?”

“વારુ, ગરબડ હાલ એની પાસે વધારે આવે છે ?”

“ હા. એ તો ક્‌હેવાનું જ ભુલી ગયો. એને રુપાળીબાઈએ અાંજ્યો છે.”

“બરોબર. પણ એના ચાળા સરત રાખજે. એની સાથે એનું અને આપણી સાથે આપણું માણસ થાય – બે ધારની તરવારે રમે એવો હાલ, એનો ઘાટ છે.”

“એમાં એને લાભ શો ?”

“કારભારી અને અમાત્ય બે લ્હડી લ્હડી નકામા થાય તો એ કારભારી થાય – પોતાને રાણાનો વિશ્વાસુ સમજે છે.”

“એનું શું કરશો ?”

“એ તો થઈ રહેશે, ક્‌હેવાનું એટલું કે એ ત્યાં આવે જાય ત્યારે શા પ્રપંચ ઘડે છે તે સરત રાખજે.”

“બહુ સારું. ત્યારે હાલ તો રજા લઉં છું.”

“વારું. પણ મને મળવાનું વધારે રાખવું.” નરભેરામ ગયો. એની પાછળ આઘે સુધી નજર નાંખી સીપાઈનો વેશ સાંગોપાંગ ઉતર્યો જોઈ અમાત્ય હસ્યો.

“પ્રમાદ ! કારભારીને ત્યાંથી કાંઈ પણ ખાવાનું આવે તો હાલ સંભાળ રાખવી હોં ! લેવું, પણ જમીનમાં ડાટી દેવું.”