“શું કાંઈ ઝેર દેવાનું છે ? ”
“રાણો જડસિંહ માર્યો કહેવાયો અને પર્વતને તો માર્યો જ, તેનો આપણે વિશ્વાસ શો ? વારું. જાવ. ઉંઘી જાવ.”
પ્રમાદધન આભો બન્યો અને વિસ્મય પામતો પામતો ગયો.
બુદ્ધિધન ઉઠ્યો અને લાંબા દીવાનખાનામાં એકલો હેરાફેરી કરવા લાગ્યો અને ઓઠપર આંગળી મુકી પોતાના મન સાથે બોલવા લાગ્યો.
“ત્હારું કાળું થાય કારભારી ! છેવટ જાત ઉપર જ અાવ્યો ? આજસુધી ગમે તેટલું પણ મ્હારો જાતભાઈ - મ્હારો સગો – કરી મ્હેં ત્હારા પર ઘા ન કર્યો.”
“બહુ સારું ત્યારે - હવે પડો મેદાનમાં. આજ સુધી છાના વેરી હતા. હવે ઉઘાડા થાઓ.”
“ ગરબડ, ત્હેં પણ ઠીક ધંધો માંડ્યો છે – મ્હેં પણ એક વખત એમ જ કર્યું હતું; પણ આપણા બેમાં ફેર છે. મ્હેં કોઈનું ખુન કરાવ્યું નથી – મને ઈશ્વરની કાંઈક બ્હીક છે – મ્હારા કહેવા વિના કોઈએ કોઈનું ખુન કર્યું હોય તેમાં હું શું કરું ? પર્વત મુવો તેમાં મને દોષ નથી.”
“તું પણ મ્હારો ગુરુ મળ્યો. અલ્યા, મ્હારું જ ખુન ?”
“પણ જો રજપુત હાથમાંથી ગયો તો ઉપાય નથી. એક વાર રમાબાઈના હાથમાં ગયલો પાછો કબજ થતાં સાત પાંચ વીતી છે અને આ કલાવતીમાં લપટાયો તો એને સટકવાનું નથી. પછી તો ભૂપસિંહ ત્હારો નહીં જ, બુદ્ધિધન !” મ્હોટા અરણ્ય વચ્ચોવચ્ચ રાત્રે બ્રહ્મરાક્ષસ એકલો ઉભો રહે તેમ અદબ વાળી દીવાનખાના વચ્ચોવચ બુદ્ધિધન ઘડીક વાર ઉભો રહ્યો. તેનું મગજ ઉશકેરાઈ ગયું અને કાળજું ધબકવા લાગ્યું – “અલ્યા, ખુની ! મ્હારું જ ખુન !”
“ત્હારું સત્યાનાશ જાય, શઠરાય ! કલાવતી ક્યાંથી સુઝી ? રાજબાની વાત જાણી ત્યારે કલાવતીનો ભેદ સમજાયો. એ તો ત્હેં જ ભૂત ભરવેલું ! મને અને રાણાને જુદા પાડવાનો રસ્તો !”
“રાજબા !” – અાંખ આગળ બનેલો બનાવ ખડો થયો. મરેલી રાજબા હાથમાં હાથ મુકવા તત્પર થતી પાસે આવતી લાગી.
"ભૂત !” - બુદ્ધિધન ગભરાયો. પગ ધ્રુજવા લાગ્યા. પરસેવાના ઝોબેઝોબ વળ્યા. જીભ ઉપડતી બંધ થઈ, અચિંતી દોટ મુકી ગાદી પર