પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮

બેઠો – તકીયે બેઠો: ૨ાજસિંહનો વેશ ધરનારી પાસે આવી દેખાઈ અને ખભા ઉપર તેના હાથ અને હડપચીનો ભાર લાગ્યો. સુવર્ણપુરનો અમાત્ય બ્‍હાવરો – દીન જેવો - ક્ષુદ્ર બની ગયો અને ફાટી આંખે દ્રષ્ટિકલ્પના ભણી જોવા લાગ્યો – બેશુદ્ધ બનવા જેવો થયો.

એટલામાં દીવાનખાનાનું એકપાસનું બારણું ભચકાયું – ઉઘડ્યું. સૌભાગ્યદેવી અંદર આવી. ગાયત્રી જેવી પવિત્ર દેવીપર દ્રષ્ટિ પડતાં મલિન સત્વ અદ્રશ્ય થયું. સ્નેહભક્ત દેવી ભણી જોઈ રહ્યો.

“મ્હારા વ્હાલા ! હવે તમે કારભારી થવાના – એટલે અમારા મટવાના. અામ ને અામ રાતરેડા જવાના અને અમારી સાથે વાતોચીતોનું તો બાઢમ્. ન્હાનાં હતાં ત્યારે તો બાર બાર વાગતા સુધી વાતો કરતાં અને હવે તો તમે અને તમારો કારભાર. મ્હારે વગર શોક્યે શોક્ય.”

હસતી હસતી દેવી આવી. પતિની પાસે શરીર સ્પર્શી બેઠી, ગળે હાથ નાંખ્યો, અને ઉઠાડી શયનગૃહમાં લેઈ ગઈ, બબ્બે મ્હોટી વયનાં બાળકવાળા માબાપનાં વય અને મન હજી તરુણ જ હતાં અને વૃદ્ધ વિચારો જય પામી શકયા ન હતા.

દેવીની સોડમાં સુતેલો પુરુષ નિદ્રામાં લવતો હતો – નિદ્રામાંથી જાગી ઉઠી, સાંભળી રહી, દેવી પાછી અાંખ મીંચતી હતી અને પતિને કોમળ ઉંફાળી છાતી સરસો વધારે વધારે જોરથી ચાંપતી હતી.

“અલ્યા શઠરાય ! મ્હારું જ ખુન કરવાના વિચારથી તને સંતોષ રહ્યો હત તો હું બરોબર ફાવત નહી. સાથે રાણાને પણ મારવાનો ત્‍હારો મનસુબો છે એટલી મ્હારે અનુકૂળતા થશે – રાણો મ્હારો ર્‌હેવાનો એટલો રસ્તો છે.”

“ત્હારા મનમાં એમ હશે કે બુદ્ધિધન જાય તો રાણો રહેશે, ને રાણો પણ હાથમાં ન રહે તો એ પણ સ્વાહા ! વાહ વાહ !”

“પણ એ પણ ઠીક છે. દુષ્ટરાય કલાવતીને ઘેર જાય છે.”

સ્વપ્નસૃષ્ટિના ધૂમકેતુ અામ મુખાકાશમાં ચ્‍હડી આવતા તેને જોનાર જડ દીવા વગર કોઈ ન હતું. એ સ્વપ્નને બળે પુરુષ પાસું બદલવા જતો અને તેથી નિદ્રામાં પણ ચમકતી સ્ત્રી તેમ થવા ન દેતાં તેને હાથના જોરથી પોતાની સન્મુખ જ ખેંચતી – રાખતી - વિમુખ થવા ન દેતી. અા બનાવનો ઈતિહાસ ચારણ જેવો પલંગ “કચડ કચડ” બોલી - ગાન કરી – કાનવિનાના ચહેરા શુન્ય શયનગૃહને સંભળાવવા યત્ન કરતો. શિયાળાની લાંબી રાત અામ ટુંકી થઈ જતી હતી.