લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
પ્રક૨ણ ૯.
ઉન્મત્તપણાનું પરિણામ ,

લીલાપુરથી પાછાં આવ્યા પછી રાણાની ઉદારતાને લીધે બુદ્ધિધને સારું અને વિશાળ ઘર બંધાવ્યું હતું. દરવાજા અંદર મ્હોટી ખડકી હતી અને ખડકી પાછળ મ્હોટો ચોક હતો. ચોકની બે પાસ મ્હોટા ખંડ હતા તેમાં ખંડના ભાગ કરી રસોડું, પાણીયારું, જમવાનો ખંડ વગેરે કરાવ્યું હતું. બીજી પાસના ખંડમાં જુવાન સ્ત્રીવર્ગની કચેરી ભરાતી. ચોક પાછળ પરસાળ, એરડો, ગજાર વગેરે હતું. પરસાળમાં સૌભાગ્યદેવી બેઠક રાખતી. ચોક અને ખડકી વચ્ચે પાટીયાં ભરી દીધાં હતાં. ખડકીમાં ઈંગ્રેજોની “વેટિંગ રૂમ” જેવી ગોઠવણ હતી અને બ્‍હારના ઓટલા ઉપર અમાત્યના સીપાઈયો તથા ચાકરો બેસતા અને રાત્રે ખડકીમાં સુતા. સ્ત્રીવર્ગના ખંડમાંથી જોડની ગલીમાં બારી પડતી. એ ખંડ ઉપરની મેડીમાં પ્રમાદધનનું શયનગૃહ હતું. ખડકીની મેડી વિશાળ હતી. તેમાં બુદ્ધિધને પોતાનું દીવાનખાનું રાખ્યું હતું. પ્રમાદધનના શયનગૃહ ભણીથી દીવાનખાનાનો થોડોક ભાગ નીરાળો રાખ્યો હતો અને તેમાં મિત્ર મંડળ સાથે એ બેસતો. બીજી પાસના ખંડ ઉપર બુદ્ધિધનનું શયનગૃહ હતું. તેમાંથી પણ દીવાનખાનામાં બારી પડતી હતી.

ચારેપાસની મેડીઓ ઉપર બીજો માળ હતો અને ચોક ઉપર રવેશોવાળી ફરતી અગાશી હતી તેમાં ચારે પાસની બધી મેડીઓમાંથી જુદી જુદી બારીયો પડતી હતી. નવીનચંદ્રને પ્રમાદધનવાળા દીવાનખાનામાં સુવાનું રાખ્યું હતું. એની પથારી કરાવી પ્રમાદધન અમાત્યના દીવાનખાનામાં બા૨ણું અડકાવી ગયો. નવીનચંદ્ર દીવો હોલવી સુવાની તૈયારી કરે છે એટલામાં બે પાસથી સ્વર સંભળાયા. એકપાસ દીવાનખાનામાં અમાત્ય, નરભેરામ અને પ્રમાદધન વાતો કરતા હતા. બીજી પાસ, પ્રમાદધનનું શયનગૃહ હતું અને પ્રમાદધન પિતા પાસે બેઠો હતો એટલીવાર નણંદ ભોજાઇ પાસે બેઠી બેઠી ગપાટા મારતી હતી. મુંબાઈથી મંગાવેલાં પુસ્તકો એક બે દિવસ થયાં અાવ્યાં હતાં અને તે વાંચ્યાથી એકલપેટો અાનંદ ભોગવતાં સંતોષ ન વળતાં નણંદ પાસે ભાભી વાંચી બતાવતી હતી અને ઈંગ્રેજી તથા સંસ્કૃત પુસ્તકોના ૨મણીય ભાગોનું ભાષાંતર કરતી હતી તે અલકકિશોરી એકાગ્ર ચિત્તે સાંભળતી લીન અને દીન બનતી હતી.

“અલક બ્હેન, સાંભળો. અા એક રસિક વાત છે. એક બાયડીને