પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨


બારી આગળ જાય અને બારણાં સરસા કાન માંડે. સાંભળેલી વાતો કોઈને કહી દેવાનો અથવા તેનો ખોટો ઉપયોગ કરવાનો હેતુ ન હતો પરંતુ માત્ર કુતૂહળને લીધે આ છાની વાતો સાંભળવી એ ક્રિયા એને નિર્દોષ લાગી.

નણંદભોજાઈની વાતો સાંભળી તે ખુશ થતો હતો અને વિનોદ પામતો હતો. અમાત્યની વાતો સાંભળી તે અદ્‍ભુત આશ્ચર્યમાં પડતો અને ચમકતો હતો. કુમુદસુંદરીની કવિતાથી – રાગથી – અને તેના બોલેબોલમાં સ્ફુરી આવતી મનોવૃત્તિથી - અને બીજા પણ કાંઈક અકથ હેતુથી નવીનચંદ્રનું અંત:કરણ દ્રવતું હતું અને જે દીવો તથા દીવાવડે એની મુખાકૃતિની કલ્પના કરનાર હત તો તેને તર્ક કરવાનો હેતુ મળે એવું તેનું મુખ થતું હતું. પરંતુ એ સ્થિતિ થોડીક જ વાર ટકતી અને કા૨ભારની ખટપટ જાણવાની વૃત્તિ તેને બીજી પાસ દોરતી હતી.

સુખી અને નિશ્ચિત દેખાતા બુદ્ધિધનને આટલી ચિંતાનાં ઉંડાં પાણીમાં ગળા સુધી ડુબેલો જોઈ તેને નવાઈ લાગી તેના કરતાં વાંચેલું વધારે સાંભરી આવ્યું. નરભેરામના કહેલા સમાચાર અને બાપદીકરાની વાતો સાંભળતાં જ – તેણે શબ્દપ્રમાણથી જ જાણ્યું હતું કે રાજાઓના મુગટ ચિંતાની ગાદીથી ભરેલા હોય છે, કારભારીનાં દુઃખ કારભારી જ જાણે, સોનામાં કલિયુગ છે, ઈત્યાદિ એને પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયું. બુદ્ધિધનને અમાત્યપદવીમાં સંતોષ ન મળતાં કારભાર શોધવો પડે છે, લોભવિના તેનું બીજું કારણ નથી દેખાતું, કારભારને સારુ આટલા શત્રુ, આટલી યુક્તિયો_અને_આટલી ચિંતા કરવી પડે છે, આવાં માણસોમાં ભળવું પડે છે એવા એવા વિચારમાં નવીનચંદ્ર ડુબી ગયો અને,

अतिलोभाभिभूतस्य चक्रं भ्रमति मस्तके ।

એનું હાર્દ બુદ્ધિધન એકલો પડ્યા પછી બોલતો હતો તે ઉપરથી, પ્રત્યક્ષ સમજાયું. રાજબાની વાત સમજાઈ નહી. સૌભાગ્યદેવીનું બોલવું સાંભળી નવાઈ લાગી, વિષયવાસના આટલી વય સુધી જતી નથી અને આવી અવસ્થામાં પણ રહે છે એવો વિચાર સુઝયો, અને મ્હોટાઈ અને વ્યવહારની જંજાળમાં પલોટાતો પુરુષ ઘર સંસારનાં સુખ ભોગવી શકતો નથી તથા પઈસાને પરણતો પુરુષ ઘરની સ્ત્રીનો ત્યાગ કરે છે એવા એવા તર્ક મનમાં ઉભરાવા લાગ્યા.

"અરરર ! આ કારભાર ! આ ખુન શાં ? આ ખટપટ ? આ સઉ શાને માટે ? આ ભાર માણસનું મગજ કેમ ખમતું હશે ? આ તો "બ્હાર-વ્હાઈટવૉશ” અને અંદર કચરો ! ઈશ્વર સર્વ રચનાઓ એવી જ