પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭

વધ કરવા ઉભેલી ચંડીનું પલંગપાટી ઉપર કોતરેલું સ્વરૂપ હોય તેમ અલકકિશોરી સુતી સુતી પણ ઉગ્ર દેખાતી હતી અને તેને સ્પર્શ કરવા દુષ્ટ અસુરની હીમ્મત સરખી ચાલી નહી. સ્ત્રીજાતિ ! તું રાખે તો ત્‍હારો પ્રતાપ અમાપ છે. પુરુષનું ગજું નથી કે ત્‍હારા અબળાપણાનો લાભ થઈ ત્હારી ઈચ્છાવિરુદ્ધ ત્‍હારી પવિત્રતા ઉપર ધસી શકે. ત્‍હારો એક પવિત્ર ભ્રૂભંગ પુરુષોની દુષ્ટતાને આઘેથી રોકી રાખવા – પાસે ન આવવા દેવા – બસ છે. એ બળ ત્‍હારું છે. તેને અજમાવવું એ કેવળ ત્‍હારી વૃત્તિની વાત છે. અલકકિશોરીની અાંખ મીંચેલી હતી પણ તેનાં પોપચાં ઉપર પતિવ્રતાપણાના રત્નભંડારની ચોકી કરવા ભમરરૂપી સાપ ફણા માંડી બેઠો હતો, અને પોતે ઉભો હતો તેથી જરાપણ ખસી પાસે જવા ક્ષુદ્ર તરકડાના પગ ચા૯યા નહી અને તેના અંત:કરણે અા પગઉપર હુકમ કરવો મુકી દીધો. પવિત્રતાપર હુમલો થતાં પણ વાર લાગે છે.

મુસલમાને ફક્કડ પોશાક પ્‍હેર્યો હતો અને ચોરીમાં પણ અડચણ ન પડે એમ તેને રાખ્યો હતો. માથે એક કાળી પણ દેખાવડી દીલ્હીશાહી ટોપી પ્‍હેરી બુકાની બાંધી દીધી હતી. દાઢીમુછોની ટાપટીપ કરી હતી અને સુગંધી તેલ વાપર્યું હતું. શીયાળાને લીધે બનાતનો રુપાના બટનવાળો કબજો પહેર્યો હતો અને તેને છેલબટાઉના જેવા કાપ મુક્યા હતા. કેડે એક ધોતીયું કસકસી બાંધ્યું હતું અને અંદર ન્હાની સરખી કટાર રાખી હતી. પગે ઇંગ્રેજી દેખાવનાં પણ દેશી બૂટ ચ્‍હડાવી દીધાં હતાં અને પોતાની ખુબસુરતીઉપર એકદમ અલકકિશોરી મોહી પડે એવી અાશા રાખી હતી અને અાંખમાં સુરમો, કાનમાં અત્તર અને ખીસાના રુમાલમાં ગુલાબજળ: એ સામગ્રી રાખી હતી. મ્હોં પણ ધોઈ કરી સાફ બનાવ્યું હતું અને આવા 'જુવાન' ને જોઈ 'લુગાઈ' અાશક થશે એમ તેના મનમાં નક્કી હતું. પણ અલકનંદાએ તેને ચેતાવ્યો હતો અને કહ્યું ન માને તો બળાત્કાર કરવા પણ મન તૈયાર હતું. “મરદ આગે રંડીકા જેર ક્યા” એ બુદ્ધિમાં સંશયનો અંશ ન હતો. વળી એક ન્હાનો સરખો કાળો જાડો ડંડુકો મીયાંએ બગલમાં માર્યો હતો. અા વેશે હાથે 'અદબ' વાળી પ્‍હોળે પગે મીયાં ઉંઘતી અલકકિશોરીના પલંગ આગળ ઉભા રહ્યા અને સ્તબ્ધ બની વિષયલાલસા ભરી ભીંની થતી ચળકતી અાંખ વડે કંઈક ઢંકાયલાં, કંઈક ઉઘાડાં, ગોરાં અને ઉજ્વળ, નિદ્રાયમાન ચિત્તવેધક ઉચ્ચાવચ અવયવો જોતા જોતા શું કરવું તેના મોહક વિચારમાં પડ્યા. સ્થળ, સમય અને સત્તાનું ભાન: એ ત્રિપુટીના સંભાર (મસાલા)-થી. વિષયાભિલાષ ધમધમાટ થઈ ગયો, તેના તીખટથી લંપટ મગજ પ્રફુલ્લ