લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯

“ કોણ છે આ ! જાગજો ! જાગજો ! પ્રમાદધનભાઈ ! જાગજો ! જાગજો ! ચોર ! ચોર !”

ભય અને કોપ કિશોરીમાં પેઠાં. મીયાં સજ્જ થયો અને બેઠો થઈ બોલ્યો:-

“માશુક, એ તો મેં જમાલ. બ્‍હીયો મત. એ તો તમારા પર આશક થયો છું તે આ અંધારી રાત્રે પણ તમારી પાસે આવ્યો.”

કિશોરીનો ભયત્રાસ ઓછો થયો પણ પગ થરથરતા બંધ ન થયા.

“અલ્યા જમાલીયા ! લુચ્ચા ! તું અહીંયાં ઉઠ, નીકળ, નીકર જોઈ લઈશ. એ તે ત્‍હારી ખલકીમલકી દીઠી કે શું ?”

“બાઈસાહેબ – ધીરાં પડો - માશુક !–”

“લુચ્ચા, જીભ કાપી નાંખીશ જો બોલ્યો ઝાઝું તો – બોલાવું છું મ્હારા ઘરમાંથી બધાંને–” કહી બારી ભણી ચાલી અને કાંઈક હીમ્મત અાવી. ભયપાસે જોઈ મીયાં સજ્જ થયા, ઉઠ્યા, અને સામધર્મ છોડી. જોર અજમાવવા વિચાર કર્યો. પલંગ પરથી હેઠે ઉત્તરી અલકકિશોરીનો હાથ ઝાલ્યો અને બારી ભણી જતી અટકાવી.

“અબે ઉભી રહેને !–”

“ છોડ હાથ ?” કહી કિશોરીયે હાથ વછોડ્યો. મીયાંએ ફરી ઝાલ્યો અને પાસે જઈ દુષ્ટ સ્પર્શ કરી ગળે હાથ નાંખ્યો. “ અરે “ એમ શું કરે છે–જો–એકવાર–”

પવિત્ર કિશોરી પળવાર તેની અાંખ સામું જોઈ રહી. એની અાંખમાંથી જાણે અગ્નિ ઝરશે એમ થઈ ગયું. આમ પળવાર જ જોઈ રહી ડોકું નીચું કરી દુષ્ટ હાથમાંથી છુટું કર્યું, અને સામી ઉભી ૨હી ઉંચી થઈ અચિંતી કુમળા પણ જોસ ભર્યા હાથની મુક્કી જમાલના મ્હોં પર-ઓઠપર મારી–ઓઠ પીશી ઉભી રહી. નજર પૃથ્વીભણી ગઈ–જાણે કે પૃથ્વી- માતા : “વાહ ! વાહ ! સાબાશ !” એમ કંઈ કહે છે ! જમાલ મ્હોં ચંચવાળતો ઉભો રહ્યો, જરીક દિઙ્ મૂઢ થયો, અને આખરે ગુસ્સે થઈ પેલી નીચું જોતી હતી તેને પાછળથી જોરથી બાઝી પડ્યો. ગમે તેટલું પણ સ્ત્રીજાત ! તેને વળી કાયા સાચવી - સંભાળી - લ્હડવું. પાછળથી બાઝેલો અને પુરુષનું જોર: તેનાથી છુટાં ન થવાનું, પણ હીમ્મત, ન મુકી અને બુમેબુમ પાડવા લાગી. જમાલ તેનું મ્હોં ડાબવા લાગ્યો અને ઘડીક ફાવે પણ ઘડીક હાથ ઢીલો પડે એટલે કિશોરી બુમ પાંડે.