આવ્યાં, ગમે તો સૌભાગ્યદેવીની બાધાઓ સંભળાઈ કે કોણ જાણે શાથી પણ બરોબર અણીને સમયે દાદર ઉપરથી ધબ ધબ કરતો નવીનચંદ્ર ઉતર્યો, રોષથી અને જોરથી જમાલના વાંસામાં લાત મુકી અને હાથ આવતાં તેની બુકાનીનો ઉપલો ભાગ પકડી એવો તો પાછો ખેંચ્યો કે ગળે ફાંસો આવવાની બ્હીકથી મુસલમાને અલકકિશોરીને પડતી મુકી, પાછો ખેંચ્યો ખેંચાયો, અને સાવધ બની ગળા અને બુકાની વચ્ચે હાથ ઘાલી ફાંસો દેવાતો અટકાવી પાછો ફર્યો અને નવીનચંદ્રના પંઝામાંથી જોર કરી છુટી ગયો. નવીનચંદ્રે બહારનાં માણસોને બુમ પાડી “ ફીકર ન કરશો – મ્હેં નવીનચંદ્રે બ્હેનને છોડવ્યાં છે.” સઉના જીવમાં જીવ આવ્યો. પણ એણે બુમ પાડી એટલામાં તૈયાર થવાનો વખત મળતાં મુસલમાન ઉભી થયેલી અલકકિશોરી ભણી દોડ્યો. મહા મ્હેનતે સજજ થયેલી બાળા બ્હીની–ત્રાસી, અને દુષ્ટને દેખી છળી જઈ “ ઓ નવીનચંદ્ર – મને સાચવી લ્યોરે ” કરી દેાટ મુકી એની પાછળ જઈ, હતી એવી ને એવી પાછળથી બાઝી પડી અને અશરણ અબળા તથા દુષ્ટ તરકડાની વચ્ચે રહેલો નવીનચંદ્ર આમથી તેમ ફરતો પોતાની ભીરુને – ભીરુ હરિણાક્ષીને – વાઘની ફાળ બ્હાર રાખવા લાગ્યો. મુસલમાન નિરાશ થયો. ઉપાય ન સુઝ્યો. એવામાં જમીન પર પડેલી કટાર દીઠી – લેવા દોડ્યો. તે તેમ કરવા જાય છે એટલામાં કાંઈક સુઝી આવતાં નવીનચંદ્રને છોડી પાછી ફરી અલકકિશોરીએ બારીની સાંકળ ઉઘાડી દીધી અને બ્હારથી સઉ ધક્કા તો મારતાં જ હતાં એટલે ફડાક લેઈને બારી ઉઘડી ગઈ. તરકડો દાદર પર ચ્હડી ગયો. તેનો પગ નવીનચંદ્રે ખેંચ્યો અને જમાલ જમીન પર પડ્યો પણ પડતાં પડતાં નવીનચંદ્રના ખભામાં કટાર મારી.
બારી ઉઘડતાં સઉ હડુડુડુ અંદર ભરાઈ ગયાં. સઉથી અગાડી સૌભાગ્યદેવી હતી તેના ઉપર – તેના હાથમાં - દીકરીએ “ઓ રે-મ્હારી મા રે !” કરી પડતું મુક્યું, અને રોજ માતું ન હતું એવી છળેલી દીકરીને માયે છાતી સરસી ચાંપી લીધી. બુદ્ધિધન અને પ્રમાદધન તેની આસના વાસના કરવા મંડી ગયા. ચાકરોએ પડેલા જમાલને પકડ્યો, ઉશ્કેરાઈ લાતે લાતે માર્યો, અને ચસકે નહી એમ ઝાલી ઉભો રાખ્યો અને મુકકાબાજી તથા ગડદાપાટુ અજમાવ્યાં તે તેણે ચુપકીથી સહન કર્યું. કટાર વાગવાથી નવીનચંદ્ર જમીન પર પડ્યો હતો; લોહી ઘણું નીકળવાથી આંખે અંધારાં આવ્યાં હતાં અને બેશુદ્ધ થયો હતો તેના તરફ કોઈની નજર ન હતી. માત્ર માર ખાતો ખાતો પણ જમાલ તેના ભણું એકલો એકટશે જયવંત નજરે જોઈ રહ્યો હતો અને માર ન ગણતાં મનમાં ક્હેવા વાગ્યો કે “જખ મારે છે – સાલા - તું તો લેતો જા.”