બેઠી. આસપાસ સઉ ભરાઈ ગયાં. કુમુદસુંદરી દીવો લાવી અને બેભાન થયલાના શરીર આગળ ધરી ઘવાયેલી જગા જોઈ લીધી. તેના હોસકોસ ઉડી ગયા. આંખમાં આવેલાં આંસુ પાછું જોઈ લોહ્યાં. નીસરણી પર સઉ બેઠાં હતાં ત્યાં અજવાળું આવે તેમ, દીવો ગોઠવ્યો, ગભરાયેલી પાછી ફરી, નવીનચંદ્રનું મ્હોં જોયું અને કોઈ દેખે નહી એમ કપાળે હાથેલી મુકી અલકકિશોરીના સામી નવીનચંદ્રના શરીરની બીજી પાસ બેઠી.
બુદ્ધિધન અગાશીમાંથી આવ્યો. પ્રમાદધનને ઉતાવળે હુકમ કર્યો કે “ઝટ, જા, એક ચીથરાનો કડકો અને ઘાતેલ લાવ.” સીપાઈને હુકમ કર્યો કે “જા વૈદ્યને બોલાવ.” મુંબાઈથી ઘાતેલ આણી ઘરમાં મુક્યું હતું, પણ તેની માહિતી પ્રમાદધનને ન હતી. તે આમતેમ ફાંફાં મારવા લાગ્યો.
“ ક્યાં છે ઘાતેલ ? કેવું છે એ ?”
એકદમ અલકકિશોરી ઉઠી. ઘરનો કારભાર તેનો હતો. ઘાતેલ શોધી ક્હાડ્યું અને ભાઈ પાસે નામ વંચાવી શીશી આણી, પણ ચીથરું ન મળે. મ્હોટાંનાં ઘરમાં ચીર હોય, ચીથરાં શોધ્યાં ન જડે; ખોળાખોળ થઈ રહી. બુદ્ધિધન ચ્હીડાયો.
“લાવોને, એક ચીથરું ખોળતાં કેટલી વાર?” તેણે પોતે હોડેલા ધોતીયા સામી નજર કરી અને ફાડવાનો વિચાર કર્યો. તે પહેલાં તો કુમુદસુંદરીએ પોતે પહેરેલા સાળુમાંથી ચીંદરડું ક્હાડ્યું અને તેના ચરડકા ભણી કાન જતાં બુદ્ધિધને એણી પાસ નજર કરી. બાકીના ઉપચાર બુદ્ધિધન અને પ્રમાદધને મળી કર્યા. વૈદ્ય પણ આવી પહોંચ્યો. સવાર સુધી આ જ ઉદ્યોગ ચાલ્યો. નવીનચંદ્રને ભાન આવતાં ઝાઝી વાર ન લાગી. પરંતુ એ નકકી થયું કે અમાત્યના ઘરમાં કેટલાક દિવસસુધી એણે પથારીવશ ર્હેવું, તેને ઉચકીને સઉ તેનાવાળી મેડીમાં લેઈ ગયા. તેની બરદાસ સ્વાભાવિક રીતે કિશોરીને માથે પડી.
જમાલનો ભેદ વધારે જાણવા – તેનો વિશેષ ઉપયોગ કરવા – અવસર આાવ્યો. એણે કરેલું કામ એ ને એ રૂપમાં પ્રસિદ્ધ કરવું એ પોતાની ફજેતી કરવા જેવું હતું. સમરસેન ૨જપુત બુદ્ધિધનનો વિશ્વાસુ સીપાઈ હતો. એજંસીમાંથી એનો અને બુદ્ધિધનનો પ્રસંગ થયો હતો અને બસ્કિન્ સાહેબના ખરેખરા કોપમાંથી ઉગારી લેનારનો રજપુત અંતઃકરણથી બદલો વાળવા ઈચ્છતો. સુવર્ણપુરમાં એક મ્હોટું દરબારી મકાન સચવાય કરી તેની એક ઓરડી ર્હેવાને સમરસેનને અપાવી હતી. આ મકાનમાં એક ભોયરું હતું. તેમાં છાનોમાનો જમાલને લઈ જઈ પુરવો એવો હુકમ થયો.