પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫


કુમુદસુંદરીએ દ્રૌપદીનું કામ કર્યું. હજી નવીનચંદ્ર તે સરસ્વતીચંદ્ર કે બીજો તે બાબત તેની ખાતરી થઈ ન હતી, પરંતુ બળવાન કલ્પનાને મનોવૃત્તિ અનુસરી. ફાડેલું લુગડું તેણે જુદું રાખી મુક્યું – સાચવી મુક્યું.

“ભાભી, જાઓ. સુઈ જાઓ ! હું ને દેવી આ ખટપટ કરીયે છીયેં."

પરપુરુષ થયલાપર પક્ષપાત ન જણાવવો એ કર્તવ્ય હતું. બળાત્કારે પાછી ફરી કુમુદસુંદરી પોતાની મેડીના બારણામાં જઈ ઉભી.

“હવે બધાં છે. આપણે હવે શું કરવાનાં હતાં ?” કરી પ્રમાદધન ઉઠ્યો, સઉની નજર ચુકાવી બારીમાં ઉભેલી કુમુદસુંદરીને ગળે હાથ નાંખી મેડીમાં ખેંચી લીધી અને બારી અડકાવી દઈ બાકી રાતનો પ્રહર પલંગ પર ગાળ્યો. તેની સાથે સુતેલીનું ચિત્ત જોડની મેડીમાં હતું અને જે કાળ પતિયે નિદ્રા - વિલાસમાં ગાળ્યો તે જ કાળ પત્નીએ ગુપ્ત ઈશ્વરપ્રાર્થનામાં આંખોં મીંચી ગાળ્યો. કાંઈક ઉંઘ આખરે આવી તેમાંથી, પ્રાતઃકાળ થયો ત્યારે, ગજેન્દ્રમોક્ષ ગાતી ગાતી ઉઠી અને નવીનચંદ્રને સાવધાન જોઈ રાજી થઈ.



પ્રકરણ ૧૦.
ખટપટનાં શસ્ત્ર અને કારભારીએાની યુદ્ધકળા.

વીનચંદ્રની ચિંતા અલકકિશોરીને માથે પડી. મૂર્ખદત્ત આવતો જતો અને ખબર લેતો વૈદ્ય ઔષધ કરતો. ચાકરો ચાકરજોગ કામ કરતા. સૌભાગ્યદેવી નીચે રહી પુછપરછ કરી તપાસ રાખતી અને દિવસમાં એકવાર ઉપર આવી સમાચાર પુછી જતી. પ્રમાદધન 'ન્યુસ્પેપર' વાંચી જતો અને જતાં આવતાં ફેરો ખાતો ને મિત્ર મંડળ સાથે પથારીની આસપાસ બેસી ગામગપાટા ચલાવતો. બુદ્ધિધન પણુ નિત્ય આવી પથારીમાં બેસી કાંઈક વાતો કરી જતો અને વૈદ્યને હુકમ આપ્યો હતો કે રોજ સમાચાર કહી જવા. કોઈપણ બીજું હાજર હોય તે વખતે કુમુદસુંદરી આવવાનો પ્રસંગ ભુલતી નહી, આવી આઘે રહી કુશળ વર્તમાન જોઈ જાણી આનંદ પામી પાછી જતી, અને જોડની મેડીમાં બેસી કોઈની સાથે પણ નવીનચંદ્ર કામની કે નકામી કાંઈ પણ વાતો કરે તે રસથી સાંભળતી. ત્રાહીત પુરુષો જોવા ન આવ્યા હોય ત્યારે ઘણું ખરું અલિકકિશોરી એકલી હોય તોપણ પથારી પાસે બેસી રહેતી, ઉપચાર કરતી, નિર્દોષ વાતો કરતી, અને ભાભીને કે જે કોઈ હોય તેને બને તો વાતોમાં ભાગ લેવા બોલાવતી. કોઈ વખત નણંદ, ભોજાઈ અતિથિ, અને પ્રમાદધન ચોપટ રમતાં અતિથિ