લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬

ઘરના માણસ જેવો થોડા કાળમાં થઈ ગયો અને તેની પ્રકૃતિ સુધરતી ચાલી. તેને પરાયા ઘર જેવું લાગતું બંધ થઈ ગયું. અમાત્યના ઘરમાં આ શાંતિ વર્તતી હતી તે જ સમયે દરબારમાં ખટપટ જામી રહી હતી અને તે નજરે જોવા શક્તિ ન હોવાથી નવીનચંદ્ર પોતાને હીનભાગ્ય સમજતો હતો. વાયે વાતો ઉડતી હતી અને એની પાસે કાંઈ કાંઈ તડાકા ચાલ્યા આવતા હતા.

જમાલવાળા બનાવથી બુદ્ધિધનનું માથું ફરી ગયું હતું અને એ બનાવનું મૂળ દેખાતું હતું તેથી વધારે ઉંડું એ કલ્પતો. ભોંયરામાં પુરેલો જમાલ ન જડવાથી તેની તપાસ છાનીમાની ચાલી રહી હતી અને ચિંતામાં પડેલી ખલકનંદાયે એ તપાસ કરવા પોતાના ભાઈને કંઈ કંઈ નિમિત્તે ઉશ્કેર્યો અને કંઈ કંઈ કાર્યોમાં પ્રેર્યો. બુદ્ધિધને અા પરિણામ કલ્પી મુક્યું હતું અને તે પરિણામનાં પરિણામ પોતાનાં ઈષ્ટ કરી દેવા તત્પર હતો. શઠરાય સાથે મેદાનમાં ઉઘાડાં પડવાનો દિવસ તેની દ્રષ્ટિમર્યાદાની ભાગોળ આગળ ભમતો દેખાયો. માતુ:શ્રીને અને સૌભાગ્યદેવીની પવિત્રતાને આપેલા અપમાનથી ઉત્પન્ન થયેલો વૈરનો તનખો હોલાઈ ગયો ન હતો અને શઠરાયની ખટપટે તેને જાગૃત રાખ્યો હતો અને ધીકધીકતા અંગારા જેવો બનાવી દીધો હતો. અલકકિશોરીએ ખમેલા અસહ્ય અપમાનથી આ અંગારા ઉપર ઘી હોમાયું અને ભડકો થયો. શઠરાયના કુટુંબ અને કારભારની અાસપાસ બુદ્ધિધનની બુદ્ધિરૂપ વાયુ આ ભડકાને ફેલાવી દેતો હતો. એ આગ ચારે પાર ફરી વળશે અને વચમાંની વસ્તુ બળી રાખ થઈ જવાની એ પ્રસંગ એકલા પડ્યા બુદ્ધિધનની દ્રષ્ટિ અાગળ અાવતો દેખાયો. તેની પાછળ અમાત્યનો પોતાનો મધ્યાહ્નકાળ ઉભો લાગ્યો. અનાથ વિધવાના ગરીબ અને બાળક દીકરા બુદ્ધિધનના વૈરભાવના આવેશને મંદવાડના લવારામાં ગણનાર પણ હેતસ્વી દયાશંકર ઘણા વૃદ્ધ અને જર્જરિત બની જીવતા હતા તેમણે હસી ક્‌હાડેલી વાતનું મહાપરિણામ તેમને પ્રત્યક્ષ કરાવવાનો સમય આવે છે એવું બુદ્ધિધનને લાગતું અને તેથી એક જાતનો આનંદ મળતો. માતુ:શ્રી આ સમયે હત તો ! તે કેટલું અનુમોદન કરત ! તે અાજ નથી એવું ભાન અાવતાં પોતાનો આનંદચંદ્ર નિષ્કલંક નહીં ઉગે એવો કોઈક વખત તેને વિચાર થતો. પરંતુ માતાનું શ્રાદ્ધ-તર્પણ પુરું કરી દેવાના અવસરે દીકરાની વૃત્તિયો જબરી ઉછળવા લાગી. એ તોફાની વૃત્તિયોના સાગરમાં પોતાની 'પ્રિય પુત્રીને' થયેલા અપમાનરૂપી વાયુએ ખટપટનાં મોજાંને ઉંચા ઉછાળવા માંડ્યાં અને જે રાત્રે, પકડાયેલો જમાલ ચોકમાં માર ખાતો હતો, અને અલકકિશોરી પરસાળની મેડી પરના ઉમરાપર માના ખોળામાં પડી