લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭

પડી ડુસકાં ભરતી હતી, તે વખત અગાસીમાં હેરાફેરી કરતો બુદ્ધિધન ભ્રૂકુટી ચ્‍હડાવી, મુછ પર હાથ નાંખી, બોલી ઉઠ્યો હતો કે “ સંભાળજે ! શઠરાય ! હવે હું અશસ્ત્ર નથી ! એ તો હું !” બુમાબુમમાં અા શબ્દ કોઈએ સાંભળ્યા ન હતા. અંધારામાં ભ્રકુટિ ચ્‍હડેલી કોઈએ દીઠી ન હતી.

અામ અમાત્યનું મગજ ચકડોળે ચ્‍હડયું હતું અને દિને દિને વધારે વધારે સ્‍હેજ સ્‍હેજ નિમિત્તથી ચ્‍હડતું હતું. એક દિવસ તો પ્રાત:કાળમાં ઉઠ્યો. દેવી રોજ વ્હેલી ઉઠતી હતી પણ આજ કાંઈક મોડી ઉઠી અને બુદ્ધિધન પ્‍હેલો ઉઠ્યો; પથારીમાં બેઠો થયો; પતિવ્રતાના મુખ સામું જોઈ રહ્યો; તેને પ્‍હોંચેલા આ અપમાનનું વેર લેવાયું નથી અને તેથી પોતે હજી દેવાદાર છે એમ મનમાં લાગ્યું. કમળની પાંખડીયો પેઠે બીડાયેલી નાજુક અાંખો, ઉશીકાની અાસપાસ વેરાયેલા છુટા લાંબા કાળા કેશ, ચળકતું ભવ્ય કપાળ, પક્‌વબિમ્બાધરનું સંપુટ, અને ઉજાસ મારતા લોભાવતા કોમળ ગાલ: સર્વ જોતાં મનોવૃત્તિ લલચાઈ ન્હાની ઉમ્મરના અને આજના દેખાવમાં ફેર લાગવા છતાં સુંદરતા કમી લાગી નહી અને પોતાના અંતઃકરણમાંથી વહાલની સેર વધારે જોસભેર વછુટી. વેર લેવાયું નથી ત્યાંસુધી આ સર્વ વ્હાલ લુખું અને ઠગાઈ ભરેલું લાગ્યું. એ કલંક પોતાને માથેથી એકદમ ઉતારવા ઠરાવ કર્યો અને મનમાં ને મનમાં દેવીને વચન આપી, હાથ ઉંચો કરી બોલી ઉઠ્યો;

“ દેવી, મને બાયલો ધારીશ નહી ! હવે,

“રણવચ્ચે પડે બુમડી ત્યાં જોજે મારો હત્થ !”[]

એમ કહી હસ્યો, દેવીના મ્હોં સામે બરોબર ફર્યો. હાથવતે ગાલસંપુટ સાહી–ડાબી–નીચો પડ્યો અને લાંબા કરેલા ઓઠદ્વારા નિદ્રાવશ ઓઠમાં, ને ઓઠમાંથી મગજમાં અાત્મામૃત રેડ્યું. દેવી જાગી, અમૃતપાનથી સ્મિતમય બની અને પ્રત્યાઘાતરૂપ તેના મનહર સાકાર વિકારને મંગળ શકુન ગણી - સત્કાર આપી - બુદ્ધિધન ઉઠ્યો. અને કર્તવ્ય કામનાં વૈરભાવ વગેરે સાધનોમાં ઉત્સાહ ઉમેર્યો. કારભારી થવાના ઉત્સાહની ગંગામાં આ ઉત્સાહનદી વેગથી ભળી.

આણીપાસ શઠરાયે પણ બુદ્ધિધનને દૂર કરવા ઠરાવ કર્યો હતો. ઘણા વર્ષ સુધી એણે કારભાર કર્યો હતો અને નિષ્કંટક સત્તા ભોગવી હતી. કંટક રાખવો નહી એ તેનો નિશ્ચય હતો. ભૂપસિંહનો ડર હવે તેના મનમાંથી જતો રહ્યો હતો, પરંતુ બુદ્ધિધનની બ્‍હીક તેને લાગવા માંડી. બ્‍હીક તો મૂળથી જ હતી. પરંતુ રાણાની બ્‍હીક હતી ત્યાંસુધી અમાત્યની બ્‍હીક જણાઈ પડતી ન હતી. ભૂપસિંહ પોતાની પાસે શુન્ય જેવો વસતો અને માત્ર


  1. ૧. ભવાઈસંગ્રહ-સામળો