બુદ્ધિધન કાળ જેવો લાગતો. એ કાંટો ક્હાડી નાંખવો અને તેમ કરવામાં ભૂપસિંહ પ્રતિકૂળતા બતાવે તો તેનું પણ ઓસડ કરવું એ સર્વ લક્ષ્યનાં સાધન શઠરાય ચલાવતો હતો.
એક મ્યાનમાં બે તરવારો કોઈએ ઠેકાણે સમાઈ સાંભળી નથી. જયાંસુધી બુદ્ધિધન અને શઠરાય એકબીજાને નમીને ચાલતા હતા ત્યાંસુધી સર્વ સમું ચાલ્યું, પરંતુ,
“અભિલાષી એક બાતકો યામે હોત વિરોધ. ”
વિરોધ તો ગુપ્ત હતો જ, પરંતુ જુનો સમો બદલાયો અને બુદ્ધિધનને પોતાનો પાયો સ્થિર લાગ્યો એટલે દેખીતી ઈમારત ચણવાનો પ્રસંગ અાવ્યો. એનો તનમનાટ શઠરાય કળી ગયો. બુદ્ધિધનની જ બુદ્ધિથી ભૂપિસિંહ શઠરાયના હાથમાં જતો જણાયો, અને શઠરાયે તેમ જાણ્યું અને ધાર્યું કે ભૂપસિંહ બુદ્ધિધનનાથી પુરો જુદો પડતાં વાર નહી લાગે. બુદ્ધિધન જેવા ચાંચણને મસળી નાંખવામાં એને કાંઈ મુશ્કેલી લાગી નહીં. ખટપટમાં તે અનુભવી હતો. ઘણી કળાઓ તેને આવડતી હતી. ફલાણું કામ કરતાં ચિત્ત અટકે એમ ન હતું. ઘણી મીલકત અને ઘણાં માણસ તેનાં પોતાનાં હતાં. ભૂપસિંહની કૃપા, ઈશ્વરે આપેલી બુદ્ધિ અને તેથી મળેલાં ફળ, થોડાંક પણ સાચાં માણસો, અને સાધારણ દ્રવ્યઃ એટલામાં બુદ્ધિધનનાં સાધનોનો સમાવેશ થઈ રહ્યો હતો.
સંસ્થાનનો વડો ન્યાયાધીશ શઠરાયનો ભાઈ કરવતરાય હતો, અમાત્ય થયા પછી કરવતરાયના ફેંસલા ઉપર ભૂપસિંહ પાસે અપીલો જતી અને એની જોડે અમાત્ય બેસતો અને અમાત્યનાં જ કહ્યા પ્રમાણે થતું. આ કામ કરવાનો સમય બપોરનો રાખ્યો હતો. તે વખતે સ્વાભાવિક રીતે રાણાને અને અમાત્યને એકલાં પડવાનો પ્રસંગ આવતો. પ્રથમ તો બુદ્ધિધન ઝાઝું વચ્ચે ન પડતો પણ આખરે ઉઘાડાં પડવાનો પ્રસંગ વધારે વધારે પાસે આવ્યો તેમ તેમ કરવત૨ાયના ફેંસલા ફરવા માંડ્યા અને એમ થયું એટલે એને મળતી દક્ષિણા પણ ઓછી થઈ. અા હુમલાની ખબર શઠરાય પાસે જતાં તેણે ઔષધ શોધવા માંડ્યું. કલાવતી કરીને એક નાજુક, પાતળી, ગોરી, અને સુંદર ગાનારી નાયિકાને દુષ્ટરાયે મુંબાઈથી આણી સુવર્ણપુરમાં વસાવી હતી. તેને એક દિવસ દરબારમાં ગાવા અાણી. રાણાને ગાયન ગમ્યું અને હળવે હળવે દ૨બા૨ વેરાઈ જાય તો પણ શીખવી મુકેલા દરબારીયોની સૂચનાથી તે વધારે વાર બેસતી અને રાણો ના ન કહેતો. મંડળ થોડું હોય ત્યારે એનાં ગાનનાં વખાણમાંથી શરીરનાં વખાણની વાત ક્હાડવામાં