આવતી. મૂર્ખ રાણો તે પ્રીતિથી સાંભળતો, અને આઘે બેસી ગાતી હોય અથવા ઉભી ઉભી ફરતી ફરતી નાચતી હોય તે વખત તેનાં જાણી જોઈ નિર્લજ્જ અવસ્થામાં ર્હેતાં આવી જતાં અવયવો ઉપર રાણાની અાંખ લાચાર બની ઠરતી. તો પણ બુદ્ધિધનની બ્હીકે તે ઝાઝું ન બોલતો. એમ કરતાં એક દિવસ તો ખાનગીમાં – બુદ્ધિધનની ગેરહાજરીમાં – તેણે એની ખુબી વખાણી અને શઠરાયે પોતાનો કરી મુકેલો મ્હાવો ખવાસ હાજર જ હતો તેણે સમયસૂચકતાથી કલાવતીને મહારાણાની સેવામાં હાજર કરવા માથે લીધું. રાણાએ ના ન કહી અને એક દિવસ બપોરે તેને રાજમ્હેલમાં અાણી – રાજમ્હેલ અપવિત્ર કર્યો - સુવર્ણપુરના રાણાના શરીરને દૂષિત કર્યું – તેના મનને ભ્રષ્ટ કર્યું અને સુવર્ણપુરની પ્રજાને માથે અતિ નીચ શોક્ય લાવી બેસારી. બપોરે ન્યાયનું કામ કરવા બેસવું તે ભૂપસિંહને વસમું લાગવા માંડ્યું. હજુરીયો તે વાત સમજયા. ખાનગી કારભારી નીચદાસે વાત ક્હાડી, “રાણાજી, આપને કાંઈ ઈશ્વરે આ વૈતરા સારું સરજેલા નથી. કરવા દ્યોને અમાત્યને જ એ કામ.” અમાત્યને કોણ ક્હે ? નીચદાસે શઠરાયને સમાચાર કહ્યા. બુદ્ધિધનના દેખતાં શઠરાયના શીખવી મુકેલા જગાભાઈ ચારણે પ્રસંગ આાણી કવિત ગાયું.
- “ ભલો ભલો ભૂપ, ભૂપ, ગુણ રૂપ બે અનુપ,
- “ રાતદિન રાજકાજના જ સાજમાં જ અાજ
- “ ચિત્ત વિત્ત સર્વ દીધ, રીધ સીધ એ જ કીધ,
- “ મોજશોખ ને વિલાસ છોડી દીધ છે વિહાર !
- “ ભલો ભલો ભૂપસિહ ! થા તું હવે સિંહ, સિંહ !
- “ દિવસમાંહીં એક વાર હોય તાહરે શીકાર !
- “ રુડી ઘટા ઘાડીવાળી ઝાડીમાંહી રહેવું દ્હાડી–
- " એ જ મૃગરાજ તાજ, રાજને શું બીજું કાજ ? ”
“ભલો, ભલો, ભૂપ ભૂપસિંહ !” કરી ચારણે હાથ જોડ્યા અને બોલ્યો: “ દીનાનાથ ? મ્હારા જેવાને ય રાત દિવસ વૈતરું ને આપના જેવાને ય વૈતરું – એ કાંઈ હોય ?”
બુદ્ધિધન જરીક ચમક્યો અને વહેમાઈ ચારણ સામું જોઈ રહ્યો. ચા૨ણે નજર ચુકાવી.
શઠરાય : “ત્યારે જગાભાઈ રાજકાજ ન કરે તો બેસી ર્હે ! શું ઈનસાફ ન કરે ?”
જગાભાઈઃ “ઓય, ઓય, બાપજી, જયારે એ કડાકુટોયે ૨ાણોજી કરશે ત્યારે આવા વિશ્વાસુ અમાત્ય શું કરશે ?"