પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧

જીવ જુદો થયો. મ્હાવાની વાતો થોડી થોડી નરભેરામ પાસે કરવા માંડી. રાણાને રણજીત નામનો ચોબદાર હતો. તેને આંખ એક જ હતી. મેરુલાના પ્હેલાં એને રુપાળી સાથે સંબંધ હતો. દુષ્ટરાયને માલમ પડવાથી એનો ઘડોઘાટ કરવાને વિચાર થયો હતો. જડસિંહના વખતમાં પોતે લીલાપુર ગયો તે પહેલાં બુદ્ધિધનને શઠરાયને ત્યાં જવાનો પરિચય હતો ત્યારે આ વાત કાને આવ્યાથી બુદ્ધિધને ૨ણજીતને ચેતાવ્યો હતો અને ઉપાય બતાવ્યો હતો. તે ઉપરથી રણજીત શઠરાયને મળ્યો અને ફરીયાદી કરી કે “સાહેબ, દુષ્ટરાયજીની પાસે મ્હારા વૈરીયો ખોટું ખોટું ભરવે છે, માટે કૃપા કરી મ્હારી બદલી કરો; ત્યાં રાખવો હોય તો હું રજા લઉં છું.” દુષ્ટરાયથી ખરું કારણ ક્‌હેવાયું નહી અને 'મુવો, છો બીજે ઠેકાણે જતો' કરી હરકત ન કરી. એ બદલીમાંથી આખરે રણજીત ચોબદાર થયો. તે હજી બુદ્ધિધનનો ઉપકાર માનતો હતો અને અંદરથી એના પક્ષમાં હતો. બુદ્ધિધને સમરસેન પાસે શીખવાવ્યું અને રણજીતે ૨ઘી જતી આવતી હતી તે વખત મશકેરી કરી અને એમ કરતાં કરતાં એનો સંબંધ થયો એટલે મ્હાવાની બધી વાતો ફુટવા માંડી. ૨ઘી રાણીયોની પણ માનીતી હતી. નરભેરામ અને રણજીત બેની કમાન બુદ્ધિધનની બુદ્ધિ હતી અને એ બુદ્ધિના બળથી રાણાનો મ્હેલ, અંત:પુર, અને દરબાર બુદ્ધિધનને મન પારદર્શક થઈ ગયાં હતાં. કલાવતી અમાત્યને પોતાના હાથમાં લાગી અને તેની કરેલી રજેરજ વાત પોતાની પાસે અાવતી. હજીસુધી શઠરાયે તેને રાણાના બીગાડ શિવાય બીજા પ્રપંચની સહાયભૂત નહોતી કરી, કારણ તે કરવાનો સમય આવ્યો લાગ્યો ન હતો. એમ કરતાં કોઈ કોઈ વખત તે ક્‌હેવા લાગી, “ હવે અમારા ધંધો પડ્યો એટલે અમે વગોવાઈયે. અમને સારાં ક્‌હેવડાવે એવી સ્ત્રીયો અંતઃપુરમાં કયાં નથી હોતી ? ” કર્ણદેાષ થયો છે – ખરું ખોટું ઈશ્વર જાણે, રાણીયોની વાતો કોણ કરી શકે ?” “રાજબાની વાત સાંભળવામાં અાવી છે.” એમ ક્રમે ક્રમે ચ્હડી. અાખરે નરભેરામે કાગળ આપ્યા તે લેઈ સવારના પહોરમાં બુદ્ધિધન દરબારમાં ગયો અને રાણાના ખોળામાં કાગળો નાંખ્યા. કંઈક આંસુભરી આંખે બોલ્યો; “ રાજબાને મ્હેં માતુઃશ્રીને ઠેકાણે ગણ્યાં છે. આ કાગળો જોઈ મને કંપારી વછુટે છે. એ કાગળ વાંચી લ્યો. શઠરાય મ્હાવા મારફત તમને બતાવશે. તમારા મનમાં લેશ પણ વ્હેમ હોય તો મને ક્‌હેજો. હું રાજીનામું આપી તમને આશીર્વાદ આપી તમારી ચ્હડતી જોઈ રાજી ૨હીશ.” રાણાને દયા આવી અને ઉઠી જુના મિત્રનાં આંસુ