લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩

અટકી. ઠીક પડશે. ટુંકું ને ટચ.” પાપમાં વૃદ્ધિ થયેલાને આ વિચાર ખુંચ્યો સરખો નહિ. "બુદ્ધિધન મુવો, ૨ાણો કલાવતીમાં પડ્યો, અને રાણીયોને એક છોકરો કરી આપીશું – એટલે પછી બીજું શું જોઈએ ?” રાણાની દાસીયોમાં એ ત્રણ સગર્ભા રાખી કે ઝપ લઈ અદલાબદલી થાય અને જડસિંહની રાણીની બાબતમાં થયું એમ ન થાય. શઠરાયની ખાતરી થઈ કે હું અને મ્હારા પછી દુષ્ટરાય એના કારભારનો તો બ્રહ્માએ લેખ કરી આપ્યો - રાણીને ખોટો છોકરો એટલે છોકરો ને મા બે જણ હાથમાં ! પરણ્યા પ્હેલાં સીમંતના વિચાર થઈ ગયા !

ચૈત્રી પડવે નવું વર્ષ તેમ રાણાને જન્મદિવસ હતો. બે દરબાર, એક સવારે અને એક સાંઝે, એમ ભરાતા. સવારના દરબારમાં બુદ્ધિધનને પદવીભ્રષ્ટ કરવાનું ઠર્યું. એ દરબારમાંથી પાછો નીકળે તે જ સમયે સીપાઈયો ને સ્વાધીન કરવાનું પણ નકકી થયું. દુષ્ટરાયને આ બાબતમાં કેટલીક ગોઠવણ કરવાની આવી અને તેને કહ્યું કેઃ “ત્હારા સીપાઈયો થોડીકવાર એને માન આપી એની સાથે ચાલે અને એને છુટો ફરવા દે એમ રાખવું; દરબારની પાછળના ભાગમાંથી એને લઈ જવો.” દરબારની પાછળ મ્હોટો બાગ અને તેમાં ગલીકુંચીઓ હતી. તે ગલીકુંચીઓ ઉપર વેલા ચ્હડાવી અંધારી જગા કરવામાં આવી હતી અને પક્ષીઓ રાખવામાં આવેલાં હતાં. જડસિંહના વખતમાં તેની રાણીયો, દાસીયો, કારભારીયો, અને બીજા હજુરીયોનાં એમાં જુદે જુદે સ્થળે સંકેતસ્થાન થતાં. પાછળ એક શિવાલય હતું તેમાં દર્શન સારું આવેલી સ્ત્રીયોને, ફોસલાવી, લલચાવી, ધમકાવી, છેતરી અને કોઈ કોઈ વખતે તો ઉંચકી આણી, આ ગલીયોમાં ગુંચવવામાં આવતી અને સર્વ ભ્રષ્ટ મંડળમાં જડસિંહ પણ તે લાચાર સ્ત્રીયો સાથે અનાચાર કરવામાં ભળતો. ભુપસિંહ આવ્યા પછી બુદ્ધિધનના દેારથી આ સઉ બંધ પડ્યું હતું. અને એ રસ્તો માત્ર કલાવતીને જ કામમાં લાગતો. એ ગલીઓના મધ્યભાગમાં એક ન્હાનું પણ પાતાળપાણીવાળું ઉંડુ તળાવ હતું. બુદ્ધિધનને એણીપાસ દેારવો – જવા દેવો અને તળાવ પાસે આવે કે મ્હવાએ અને રણજીતે એક ગલીમાંથી નીકળી અચિંતો એને પાછળથી ધકકો મારી તળાવ પાસેના એક ખાડામાં ઉંધે માથે નાંખી દેવો, અને પીઠપર ચ્હડી બેસી ગળે ફાંસો દેઈ મારી નાંખી તળાવમાં ઝબકોળી પાછો ખાડામાં નાંખવો અને ડુબેલાને બહાર ક્‌હાડી આસનાવાસના કરતા હોય તેમ કરવું એવી ગોઠવણ થઈ. દરબારમાં ઉઘાડાં પડવાથી એણે આપઘાત કર્યો એમ ઠરાવી બાળી મુકવો અને શઠરાયે અત્યંત શોક પાળવો એ પણ ઠર્યું.

રઘી ખવાસણે રણજીતને આ વાત કહી અને રણજીત દ્વારા બુદ્ધિધન