પાસે આવી. રણજીત ઉપર કેટલો વિશ્વાસ રાખવો તે શંકાભરેલી વાત હતી. રાણો ગમે તેટલું પણ ગરાસીયો – ગરાસીયો કોઈનો નહી – તે પણ કલાવતીના હાથમાં ગયલો ! નરભેરામ પણ વખત આવ્યે કેમ વટલાય નહી ? આ અ-વિશ્વાસમાં અને અંતર્ભયમાં અમાત્ય અર્ધો થઈ ગયો. દેવી અને છોકરાં જોઈ પાછળ તેમનું શું થશે એ વિચાર તેના મગજમાં ભમતો.
"ત્રુટી સરખી ઝુંપડી ને લુટી સરખી નાર,
“સડ્યા સરખાં છોકરાં મને મળ્યાં ન બીજીવાર !”
સુદામાચરિત સૌભાગ્યદેવીને મ્હોંએ હતું તે એ અને વનલીલા બેસી ગાતાં ત્યારે આ કડી એક દિવસ કાનમાં પડવાથી બુદ્ધિધનના મનમાં કંઈક થઈ આવ્યું – તેનું હૈયું ભરાઈ આવ્યું – આંખમાં આંસુ આવ્યાં. અચિન્ત્યો ઉઠી મ્હોં ધોઈ લ્હોઈ કામે વળગી ગયો. આવા પ્રસંગ હાલમાં ઘણા આવતા. પોતે કારણ પુરું જાણતો ન હોવા છતાં સુતો સુતો નવીનચંદ્ર આ અવસ્થા કદી કદી આઘેથી દેખતો, વિસ્મય પામતો, અને દયા આણતો. આ અવસ્થા બુદ્ધિધનને થઈ આવતી તે છતાં તેનું ધૈર્ય ગયું નહી, તેની પ્રતિભા મીંચાઈ નહી, અને તેની બુદ્ધિની સતેજતામાં ન્યૂનતા આવી નહી. મનની મ્હોટાઈ કઠિનતામાં નથી, પણ કોમળ હોવા છતાં સંસારના ઘા સહેવામાં છે. મન મ્હોટું તેમ તેની રસજ્ઞતા વધારે હોય છે અને તેના મર્મ કોમળ થાય છે. જ્ઞાનેન્દ્રિય તીક્ષ્ણ અને પટુ થાય છે તેમ તેમ રસેન્દ્રિય પણ તેવી જ થાય છે. મ્હોટાં મન 'નઘરોળ' 'નઠોર' નથી હોતાં. માત્ર તેની સ્થિતિસ્થાપકતા વધારે હોય છે. તરવારના ઘાથી રુ ડબાય છે પણ કપાતું નથી, કદી કપાય છે તો પાછું એકઠું થઈ શકે છે. જડ પત્થર પર પદાર્થ પડતાં એવો ને એવો ર્હે છે અથવા તો કડકા થઈ જઈ સંધાતો નથી. પણ પાણી પર પદાર્થ પડતાં પાણીનું અંત:કરણ ચીરાય છે અને પદાર્થને સમાસ આપે છે, પણ આખરે એ જ પાણી પોતાની મેળે એકઠું થઈ જાય છે. દેવતાઓને શસ્ત્ર વાગતાં નથી એમ નથી. પણ તેમના ઘા પોતાની મેળે જ રુઝે છે. બુદ્ધિધનના મર્મસ્થળ બ્હેર મારી ન જતાં વધારે વધારે સચેત થયાં હતાં, પરંતુ તેમની સ્થિતિસ્થાપકતા બળવાન હતી.
वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि !
लोकात्तराणां चेतांसि कोऽत्र पारयितुं क्षमः॥
કુટુંબનો વિચાર કરતાં કુસુમથી કોમળ બનતું હૃદય, કર્તવ્ય કામ વિચારતાં પત્થર કરતાં કઠોર બનતું, વૈરભાવ વિચારી ફુંફાડા મારતું, શઠરાય આદિની દુષ્ટતા જેઈ કોપાયમાન થતું, ભવિષ્ય વિચારી કેશરીયાં કરવા