લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫

તત્પર થતું, યુદ્ધપ્રસંગ પાસે જોઈ આતુર થતું, શત્રુની સ્થિતિ જોઈ બે હાથને એક બીજાની બ્હાંયો ચહડાવવા ઉશ્કેરતું, પોતાના બળની અજમાશ ક્‌હાડી બળવાન બનતું, પુરાણી ઈચ્છાઓ પૂર્ણ થવાનો અવસર જોઈ ઉત્સાહ પામતું, સમૃદ્ધિ ખોળે બેસવા આવતી જોઈ પ્રકુલ્લ થતું અને ઉદયસૂર્યના કિરણોને અવકાશ આપવા બુદ્ધિની પાંખડીયોને પ્હોળી કરતું.

ચૈત્રી પડવો પાસે આવતો ગયો તેમ તેમ મુંબઈનાં વર્તમાનપત્રોમાં સુવર્ણપુર વીશે ઉપરાઉપરી લખાણ થવા માંડ્યું. શઠરાયનો કારભાર, તેનું અંધેર અને તેમાં સુધારાની જરૂર; પ્રજા ઉપર જુલમ, ભૂપસિંહ ઉપર શઠરાયની ખરાબ અસર, અને કલાવતીની વાતઃ ઈત્યાદિ વિષયોની ચર્ચાથી દિવસે દિવસે વર્તમાનપત્રોની કટારો ભરાવા માંડી. ઈંગ્રેજી પત્રોમાં તાન્ત્રિક લખાણ નહોતું આવતું, પણ લોકનાં ચર્ચાપત્ર આવતાં તે સ્વીકારાતાં. શાઠરાયના મંડળમાં તે સર્વે વંચાતું અને બુદ્ધિધનને માથે એ લખાણની ઉશકેરણીનો આરોપ થતો. નરભેરામે કહ્યું : “રાણાજીને આ બતાવવું જોઈએ - આ વાત અમાત્યને ન ઘટે.” શઠરાયે આ મત સ્વીકાર્યો અને દરરોજ નરભેરામ રાણા પાસે આવા પત્ર મુકવા – વાંચી બતાવવા – લાગ્યો. રાણો કોપાયમાન દેખાતો, અને નરભેરામને પણ કેટલીક વાર તે કોપ ખરો લાગતો. કલાવતીની વાત બાબત રાણાને ખોટું લાગ્યું પણ ખરું. બુદ્ધિધને કેટલીક વાત લખાવી હતી, રાણાને તે વીશે ભોમીયો રાખ્યો હતો, અને આટલો બધો બુમાટ ઉઠાડવાની શક્તિ બુદ્ધિધનમાં જોઈ તે વિસ્મય પામતો. બુદ્ધિધને કહ્યું કે કલાવતીની વાત મ્હેં ઉઘાડી પાડી નથી, પણ એ શબ્દ પર રાણાને પુરો વિશ્વાસ ન આવ્યો અને અમાત્ય તે કળી ગયો. ગરાસીયા પર અવિશ્વાસ આણવાનું આ એક કારણ હતું.

પ્રજામાંથી ઘણીક પોકારની અરજો આવતી તે શઠરાયને કહી નરભેરામ રાણા સુધી જવા ન દેતો અને સંતાડી રાખતો; શઠરાયનો વિશ્વાસ નરભેરામ પર સંપૂર્ણ થયો.

કરવતરાયે કરેલા જુલમ બાબત એક વાણીયે સાહેબ પાસે અરજી કરી હતી. તે અરજી સરકારમાંથી એજંટ પાસે અને એજંટ પાસેથી દરબારમાં ખુલાસા સારુ આવી હતી. દરબારના મન્ત્રી નરભેરામે તે શઠરાયપર મોકલી; શઠરાયને નરભેરામે સુઝાડ્યું એટલે વાણીયાને કેદ કરી એની પાસેથી લખાવ્યું કે મને દરબાર તરફથી આખરે ઈનસાફ મળ્યો છે. આ લખાણ સરકારમાં ગયું. અને વણિક કેદમાં જ રહ્યો.