છેક બે વાગતે થાકીને નિદ્રા જ આવી અને ચતા સુતેલાને કલાંઠી બદલવા ન દીધી. રાજ્યચિંતાએ ગ્રહેલા હૃદયમાં મ્હારે સારું કાંઈ અવકાશ ખાલી છે કે નહી તે જાણવા સારુ અથવા તો એ હૃદયને પકડી પોતાને સ્વાધીન રાખવા સારુ ઉંઘતી અબળાનો હાથ જુના મિત્રની છાતી પર પડાવ નાંખી રહ્યો હતો.
ઘણા લોક જેની વાટ જોઈ રહ્યા હતા એ ચૈત્ર સુદ પડવો આવ્યો. ઉગતા મળસ્કામાંથી દરબારીયોનાં ઘરમાં ચંચળતા વ્યાપી ગઈ. શઠરાય ન્હાઈ ધોઈ તૈયાર થવા લાગ્યો. નરભેરામ કારભારીની સેવા બજાવવા સઉથી પ્હેલો આવી ઉભો. સીપાઈયો બારણા આગળ ગરબડ મચાવતા એકઠા થવા લાગ્યા. શઠરાય જરાક નીરાંત વાળી ગાદીતકીયે બેઠો, એક ચાકરે તેને બંડી અંગરખું પ્હેરાવ્યું તે પ્હેરી આદર્શ (તકતો) મંગાવી વિચાર કરતો કરતો તેમાં મ્હોં જોતો જોતો મુછો આમળતો કારભારી બેઠો. નરભેરામ આમથી તેમ હેરાફેરી કરતો હતો તે જરાક ઉભો અને કારભારીને જોઈ મનમાં બોલ્યો:
“હે ઇશ્વર !” કરી માથું અને શરીર કંપાવતો કંપાવતો , બીજી દિશામાં ચાલ્યો.
દુષ્ટરાયની મેડીના બારણા આગળ પોલીસસીપાઈયોની ઠઠ બાઝી. હતી. એ અંદર એક પલંગ પર રૂપાળી સાથે બેઠો હતો. રૂપાળી, કપડાં અાણતી આણતી, જવાની ત્વરામાં મદદ કરતી હતી. દુષ્ટરાય, કપડાં પ્હેરતો પ્હેરતો, પાળીની સાથે કંઈકંઈ અટકચાળાં કરતો કરતો, પોતાની હોંશીયારીની બડાશો બાયડીને સંભળાવતો હતો, બુદ્ધિધનના ભાગ્યની મશ્કરીય કરતો હતો, અને “આજ રાત્રે તો અલકકિશોરી - કુમુદસુંદરી - અને સૌભાગ્યદેવીને પણ અાવી અાવી અવસ્થામાં અાણવાનાં છે - મ્હારું, ફક્કડપણું આમ જણાવાનું છે” ઈત્યાદિ વાતો પ્રફુલ્લ અને આનંદમગ્ન બની કરતો હતો, અને પરપુરુષલંપટ કુલટા પતિની સ્ત્રીલંપટ બડાશો સાંભળી પોતે સૌભાગ્યની સીમાએ પ્હોંચી સમઝતી હતી.