લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯


સર્વ પાસ ગરબડ મચી રહી હતી અને સઉ, વાતોમાં, આમ તેમ ફરવામાં, કંઈ કંઈ હુકમ કરવામાં અથવા અમલમાં આણવામાં, ગુંથાયાં હતાં એવામાં નરભેરામે મેરુલાને શોધી ક્‌હાડ્યો. મેરુલો એક ઠેકાણે ઉભો ઉભો ખલકનંદાનાં લુગડાંની ઘડીયો કરતો હતો. પાસે એક ત્રાંબાનું પવાલું ઉંધુ પડ્યું હતું તેપર ઉઘાડે માથે લાંબી ચોટલી છુટી રાખી નરભેરામ બેઠો.

“આજ તો કાંઈ બ્હેનનાં લુગડાં સમાં કરવાં માંડ્યાં છે ?”

"હાસ્તો. કરવાં કની.”

"બ્હેન ખરાં કની,”

"એ તો હોય તો ના ક્‌હેવાય ?”

"હા, ભાઈ હા, ત્હારોએ વારો છે. ગોપીયોમાં , ક્‌હાન, નહી મ્હાલું તો ભોગ. જમાલ ગયો એટલે ત્હારે એકનાં બે થયાં. અલ્યા જમાલનું કાંઈ જણાયું ?”

“મુવો તરકડો. કોણ જાણે ક્યાંયે ક્‌હોઈ જતો હશે. બલા ગઈ.”

“અલ્યા, પણ ત્હેં વાત ઉડાવી. ત્હારી બ્હેનની વાત ન કહી.”

“બ્હેન હોય તેની. જુવો નરભેરામભાઈ – આપણે તો ચોખ્ખા માણસ ! મ્હોટી એટલી મા ને ન્હાની એટલી બ્હેન.”

"ને સરખી એ ?”

“સરખી એ તો મ્હારે સમાણી. જમાલની સરખી તે મ્હારે એ સરખી."

“અલ્યા, પણ રૂપાળી અદેખાઈ નથી કરતી ?”

“શી બાબત અદેખાઈ કરે ? એને ગરબડ મળ્યો તેની હું અદેખાઈ કરું છું ? એનેયે બે ને મ્હારેયે બે.”

“એ ગરબડ મ્હારો વ્હાલો જોને પ્હેધો પડ્યો છે !”

“ભાઈસાહેબ, કહું? ગ૨બડે કરી ગરબડ. અમારા કારભારી કારભારમાં પડ્યા ને ફોજદાર ફોજદારી કરવા ગયા. ઘરમાં એમાંથી કોઈ ન હોય ત્યારે ગરબડદાસ એને મળવા આવે ને તે પાછા ફરવાના એટલે વાટ જુવે. બુદ્ધિધનને ખરાબ કરવામાં એનું કામ, એટલે સદર પરવાનગી મળેલી તે ભાઈને પાછા ક્‌હાડવાનો અમને અખત્યાર નહી. એટલે એકલા દીવાનખાનામાં બેસે ને બારીયે ડોકીયાં કરે ને અગાસીમાં પણ હેરાફેરા કરે.”

"ત્યારે તેવામાં તું ક્યાં મુવોતો જે ? ”