“તમારાં કલાવતીબાઈ વેશ બદલવા એરડામાં જશે કની ? આપણેયે સાથે ભરાયા. સદર પરવાનગીવાળા માણસ છો.”
“ ના, ના, આજ શું ? આવશે વખત.”
“હીમ્મત ક્યાંથી મળે જે ! જાઓ મ્હારા સાહેબ, બ્હાદુર થાઓ. એ તો હમ્! કારભાર તો તમારો જ છે કની ! એ તો સ્વાહા ! કરો મંગળાચરણ ! પછી તો તમે જાણો.”
“રાણો ચેતે તો ખોટું.”
"ચેત્યો, ચેત્યો, એ તે શું ગરાસીયો સમઝવાનો છે ? એ તો હુક્કો ફુંકે.”
“ત્યારે ઝંપલાવું ? ખરે, એમાં શી હરકત છે ? બહુ વરસ થયાં છુટ ભોગવ્યે."
"કંઈ હરકત નથી. હું રાણાનું ધ્યાન બીજી બાબતમાં નાંખીશ.”
“ ઠીક છે ત્યારે. પણ બાપા જાણે ત્યારે ?”
"અંહ ! આવા બીકણ બીલાડી તો કોઈ ન દીઠા. બાપાયે ન્હાનપણમાં કીયા બીજા હતા જે ? ન્હાનપણમાં સઉ નાગું.”
"જો, જો, ત્યારે."
“ હા, હા, હમ્. એ તો એ.”
"ઠીક છે ત્યારે. જો જો આજ બંદાનાં પરાક્રમ. પણ તમે યાદ રાખજો હોં !”
"હા હાઃ” કરી નરભેરામ મનમાં બોલ્યો: “અડચણ પડે તો મને ક્હેજો. હું હાથીને શીયાળવે કહ્યું હતું તેમ કહીશ.-भगवन् मम पुच्छवालंवनं कुरु - ભાઈ પુંછડું પકડો મ્હારું. સાળો, લુચ્ચો, જોને, ગરજ આગળ અક્કલ આંધળી. બાપનું રાજ્ય થઈ ગયું ! આજ જ જોવાનું છે તો ! હત, તમારી માના લુચ્ચાઓ-ગદ્ધાઓ !” કહી ચાલતાં ચાલતાં અમસ્તો હાથ ઉગામ્યો અને નીચલો ઓઠ કરડ્યો. કારભારીયો, ન્યાયાધીશો અને વહીવટદારોના સીપાઈયોના પાલવવાળો પટ રસ્તામાં હાલતો હાલતો કરચલીયોવાળો થતો થતો પ્રસરતો હતો, તેની વચ્ચે માખીની પેઠે ભમતો ભમતો નરભેરામ ભરાઈ ગયો.
બુદ્ધિધનને ઘેર પણ દરબારમાં જવાની ધામધુમ હતી. રાતના ચાર વાગે બે કલાકની નિદ્રા ભોગવી ઉઠ્યો અને ન્હાઈ ધોઈ સંધ્યા પૂજા કરી દીવાનખાનામાં ફરવા લાગ્યો. સૌભાગ્યદેવી પણ ન્હાઈ અને કપાળે ભસ્મની ત્રિરેખા તથા મધ્યભાગે કંકુનો ચાંલ્લો કરી સૂર્યોદય પ્હેલાં શિવપૂજા કરવા મંડી ગઈ રૂપાનાં વાસણ પાસે રાખ્યાં છે, ઘીના દીવા બે પાસ દીવીઓમાં