લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩

બળી રહ્યા છે, અગરબત્તીનો ધૂપ આખો ખંડ સુવાસિત કરે છે, અને પલાંઠી વાળી તકીયાવાળા પાટલા ઉપર બનાતની વિવિધરંગી આસની પર સ્વચ્છ વસ્ત્ર ધારી યોગીશ્વરી જેવી બેઠેલી સુઘડ પતિવ્રતા સૌભાગ્યદેવીને જોઈ નવીનચંદ્રને કાદમ્બરીમાંની મહાશ્વેતા સ્મરણમાં આવી અને ઘડીકવાર તેનું પૂજનીય પ્રતાપી મુખારવિંદ અને પ્રતિમા જોઈ એનાં જ દર્શન કરતો હોય તેવો પવિત્ર વિકાર એના મનમાં ઉગ્યો.

કુમુદસુંદરી ઈંગ્રેજી ભણી હતી પરંતુ ધર્મવિષયમાં બાળક જ હતી અને સુધરેલા સંસકાર આ બાબતમાં લાગ્યા ન હતા. સાસુને પૂજા કરતી જોઈ પૂજાનો ઠાઠ જોઈ અને એ ઠાઠને સાસુ શોભા આપતી તે જોઈ, બાળક અબળાની સંસ્કૃત ક૯પના પ્રફુલ્લ થઈ. કુમુદસુંદરી આમ એ પવિત્ર દેખાવ પર મોહી પડી હતી અને સાસુ પાસે સૂર્ય પૂજા શીખવાનો એણે આરંભ કર્યો હતો. પુત્રીને આ વિષય પર ચિત્ત ન હતું પણ વહુનું ચિત્ત જોઈ સાસુ સંતોષ પામતી અને ઉત્સાહથી એને પોતાના સંસ્કારવાળી કરવા મથતી. સૂર્યપૂજા હજી પુરી આવડી ન હતી એટલે વહુ માત્ર સાસુને સામગ્રી કરી આપવામાં ગુંથાઈ હતી અને માતુશ્રીની સેવા પોતે કરી હતી, તેમ પોતાની સેવા કુમુદસુંદરીને કરતી જોઈ સૌભાગ્યદેવીને સંસારનો ઓરીયો વીતતો હતો. બુદ્ધિધનને જવાનું હતું એટલે સર્વ કામ ઉતાવળથી સમેટાતું હતું. સાસુની સામગ્રી પુરી કરી, દરબારમાં બહુ વાર લાગવાની એટલે પુરુષવર્ગ સારું હાજરી તૈયાર કરવાની સામગ્રી કરવામાં વહુ પડી. વહેલો ઉઠેલો નવીનચંદ્ર દાતણ કરી, ન્હાઈ બીજું કાંઈ કામ ન હોવાથી અગાશીની રવેશ આગળ એકલો બેઠો બેઠો અમાત્યના ઘરનું આ મંગળ આહ્નિક જોતો હતો. સામગ્રીની વેતરણમાં પડેલી કુમુદસુંદરી, હાથમાં દીવો લઈ ચોકમાં આવતી જતી, થતા ઝળઝાંખળામાં ઝાંખી દેખાતી રવેશ પરની મુખાકૃતિ પર છાનીમાની દૃષ્ટિ કરતી અને ચાલી જતી હતી.

ખડકીમાં સમરસેન અને બીજાં માણસો ખડખડાટ ભડભડાટ કરતાં હતાં. ઘરના ચાકરો ઝાડુ ક્‌હાડવામાં, સાસુવહુના હુકમ પાળતાં ફેરાહેરા કરવામાં, અને એવાં બીજાં કામોમાં રોકાયા હતા. પ્રમાદધનને પિતાયે કેટલુંક કામ સોંપેલું તે દીવી પાસે બેસી તૈયાર કરતો હતો. અને તે કરી રહ્યો એટલે દયાશંકરકાકા અને બીજા કેટલાક સ્નેહીયોને તેડવા માણસ મોકલવા નીચે ઉતર્યો. એટલામાં માણસ લેઈ સાસરેથી અલકકિશેરી ન્હાઈ ધોઈ આવી અને ઘરકામમાં ભળી ગઈ.

બુદ્ધિધનના દીવાનખાનામાં પણ માણસો ભરાતાં હતાં. એને ચિત્ર -