પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪

વિચિત્ર માણસોનું સંગ્રહસ્થાન કરવાનો અને તેમની સાથે પરિચય પાડી વિનોદ પામવાનો શોખ હતો. દયાશંકરકાકા લાકડી લઈ ધીમે ધીમે આવ્યા અને એક કોચ પર પડ્યા. સ્કુલનો હેડમાસ્તર બૂટ્સ્ટોકિંગ ક્‌હડાવી આવ્યો અને ટેબલ આગળ ખુરસી પર બેસી પ્હેલા દિવસે આવેલું વર્તમાનપત્ર વાંચવા મંડ્યો તેમાં નવીનચંદ્રવાળો આર્ટિકલ્ હતો. એણે લખ્યો હતો એ ગુપ્ત હતું. શાસ્ત્રી મહારાજ શ્લોક ગાતા ગાતા દાદર પર ચ્હડયા અને દયાશંકર સાથે બેસી વાતોમાં પડ્યા. કાજીસાહેબ ગંભીર દેખાવ ધારણ કરી આવ્યા અને વિવેકભરી સલામો કરી. માસ્તરસાહેબ પાસે બેઠા. નગરનો ન્યાયાધીશ જીલ્લાવકીલની પરીક્ષામાં પાસ થયેલો, પ્રમાણિક, અને સ્પષ્ટવક્તા હતો તે પણ આવ્યો. એને કરવતરાય સાથે કડાકડી ઉડતી અને બીજા અમલદારોને, કોઈ ઉપરીને, અથવા રાણાને, કારભારીને, કે અમાત્યને કાંઈ ઉઘાડું ક્‌હેવડાવવું હોય ત્યારે આ ન્યાયાધીશને ઉભો કરતા. એની બુદ્ધિ ચોખ્ખી હતી પણ આડા રસ્તા પસંદ ન કરતી અને સ્વાભાવિક રીતે ૨જવાડામાં એનું હિત કરવા અયોગ્ય હતી. પણ બાસ્કિન્ સાહેબના વખતમાં એમની ભલામણથી પેશી ગયો હતો અને બુદ્ધિધનની એને ઢાલ હતી. દરબારમાં જવા બધા અમલદારો શઠરાયને ઘેર ભેગા થયા ત્યારે એ બુદ્ધિધનને ઘેર આવ્યો. એ ખરેખર બેપરવા માણસ હતો અને એની પાસે કામ ક્‌હડાવવું હોય ત્યારે સઉ એની પ્રમાણિકતા અને સ્વતંત્રતા વખાણી તે બેને નિમિત્તે સ્વાર્થ સારતા. એનું નામ તર્કપ્રસાદ હતું પણ ભુજંગવૃત્તિવાળા અમલદારો આ સીદ્ધો રસ્તો લેનારને ઘેલો ગણતા ને પુંઠ પાછળ એનું નામ તેઓએ “ડાહ્યાભાઈ” પાડ્યું હતું. ડાહ્યાભાઈ ડાહ્યો પણ હતો. ચારે પાસની અવસ્થાઓ વિચાર કરી તેણે સિદ્ધાંત કરી મુક્યો હતો કે જતે દિવસે ધર્મજય અને પાપક્ષય થશે - શઠરાય નાશ પામશે અને બુદ્ધિધનનો ઉદય થશે. બુદ્ધિધનના પક્ષને તે વળગી ર્‌હેતો તેમાં આવી સ્વાર્થબુદ્ધિ પણ હતી. તર્કપ્રસાદ આવી સઉને નમસ્કાર અથવા સલામ યથાયોગ્ય કરી એક આરામખુરશી પર પડ્યો. બુદ્ધિધનનો જમાઈ વિદુરપ્રસાદ આવ્યો અને તર્કપ્રસાદ જોડે એક હાથ વિનાની ખુરશી પર બેસી ન્યાયાધીશોને વાતોમાં નાંખ્યો. એને હીસાબી ખાતામાં ગરબડદાસના 'આસિસ્ટંટ'ની નોકરી હતી. થોડાક દિવસ પોલીસ ખાતામાં તથા થોડાક દિવસ ભાયાતી ખાતામાં પણ એણે નોકરી કરી હતી. જાતે નરમ સ્વભાવનો હતો પણ કોઈ કોઈ વખત માબાપના શીખવ્યાથી બુદ્ધિધનને કનડતો અને યોગ્યતા ઉપરાંત ઇચ્છાઓ શ્વશુર પાસે પુરી પડાવવા મથતો, તેમ કરતાં બુદ્ધિધનને બીજી પ્રતિકૂળતા છે કે નહી તેનો વિચાર ન કરતો, એક