પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬


શઠરાયસાથે સંબંધ નહીં ને દરબારમાં સ્વાર્થ નહી એટલે નરભેરામ કરતાં પણ વધારે વિશ્વાસપાત્ર ગણાયો. જયમલશંકર ગયો એટલે તરત નવીનચંદ્રને અને અલકકિશોરીને બોલાવ્યાં. “દશમીનું તરત મેડીમાં આણો” કહી અલકકિશોરીને મોકલી અને નવીનચંદ્રને ખભે હાથ મુકી તેની આંખો સામું જોઈ રહી અમાત્ય બોલ્યોઃ

“નવીનચંદ્ર, આજ મ્હારે તમને એક કામ સોંપવાનું છે – ઘણા વિશ્વાસનું અને છાનું કામ છે. મ્હારાં અમૂલ્ય રત્ન તમારા હાથમાં મુકવા જેવું છે. તમે વિદ્વાન છો, કુલીન દેખાઓ છો, અને સર્વ બાબતમાં પ્રમાણિક સમજુ છું. હું ધારું છું કે મ્હારી આંખની શરમ ન ર્‌હે તેવે સમયે પણ એ ગુણ તમારામાં ર્‌હેશે.”

નવીનચંદ્રને કાંઈક નવાઈ લાગીઃ “હાજી, મ્હારે મ્હોંયે મ્હારી વાત કરવી યોગ્ય નથી. મ્હારાપર જે વિશ્વાસ રાખશો તેનું કુપાત્રે દાન નહી થાય એવી દ્રઢ શ્રદ્ધા રાખજો. આપે મને ઉપકારથી બાંધી લીધો છે. આપની કાંઈ પણ યોગ્ય સેવા કરવી તે હું ઈશ્વરપ્રીત્યર્થે જ કરીશ.”

“તમે જાણો છો કે દરબારમાં આજ નવાજુની થવાની છે.”

“હાજી, વીગત નથી જાણતો.”

“વીગત પછીથી જણાશે. હાલ એટલું ક્‌હેવાનું છે કે આજ ગમે તો શઠરાય કે ગમે તે હું એ નક્કી થશે. ઈશ્વર કરશે તો સારું જ પરિણામ થશે. પણ વખત છે, મ્હારે માથે કાંઈ અડચણ આવી લાગે અથવા હું સૂચના કરું તો એકદમ તમારે ઘેર આવવું અને આ કુટુંબને લેઈ લીલાપુર જઈ ઘરબર ભાડે રાખી રહેવું. મ્હારા દ્રવ્ય તથા દાગીના બાબત સઉ વાત અલક જાણે છે તે બાબત દયાશંકરકાકાની સલાહ લેઈ વર્તવું. લીલાપુર ગયા પછી સાહેબને મળી મ્હારા સમાચાર ક્‌હેવા અને વિદ્યાચતુરને લખવું તથા એ ક્‌હે તે પ્રમાણે યોજના કરવી. પ્રમાદ બાળક છે – એની સંભાળ લેવાની પણ તરત તમારે શિર છે. જવું પડે તો જોડેના ડ્‌હેલામાં ગાડી તથા વાહનો મ્હેં તૈયાર રખાવ્યાં છે. સમરસેન કે એ મોકલે તેને હથીયારબંધ સાથે લેવા.”

નવીનચંદ્ર આભો બન્યો. એકદમ આ પ્રસંગ આવશે - આટલા વિશ્વાસનું પાત્ર પરરાજ્યમાં પોતાને થવું પડશે – એ તેની કલ્પનામાં પણ ન હતું.

“શઠરાય અથવા તેના દીકરાનો – અજાણ્યા કોઈ પણ માણસનો વિશ્વાસ કરવો નહી. એકદમ કુચ કરવી. એ લોકના વિચાર અતિદુષ્ટ છે. હું ધારું છું કે આ કામ તમારા ગજા ઉપરાંતનું નહી લાગે.” અમાત્ય એક ટશે અને આતુરતાથી જોઈ રહ્યો.