લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭

“આપે બીલકુલ ડર ન રાખવો. મ્હારી કુલીનતાની પરીક્ષાનો સમય ઈશ્વરે આ પહેલવ્હેલો આણ્યો છે, અને હું નિષ્ફળ નહીં થાઉં.”

કપાળથી આંખો ઉપર, અને આંખો ઉપરથી મ્હોં ઉપર, હાથ ફેરવી, નીકળતા નિઃશ્વાસને ઢાંકી, અમાત્ય બોલ્યો.

“નવીનચંદ્ર, હું મ્હારાં વ્હાલામાં વ્હાલાં ૨ત્ન તમને સોંપું છું. આજ સુધી આવો વખત મ્હારે આવ્યો નથી.”

“ભાઈસાહેબ, મને આપના ભાઈ જેવો - પુત્ર જેવો –ગણજો. હું આપને પગે હાથ મુંકું છું. આપનું કુટુંબ તેની સાથે મ્હારે ભિન્નલાવ નથી- વધારે શું કહું ? કહ્યા કરતાં કરી બતાવવું એ વધારે યોગ્ય છે. આપનું દ્રવ્ય મ્હારે શિવનિર્માલ્ય છે. દેવી મ્હારાં માતુશ્રી છે અને અલકબ્હેન મ્હારાં બ્હેન છે–.”

“મ્હારા બીજા મિત્રો છે. પણ તેમને રાજ્યમાં સ્વાર્થ છે. શઠરાય દ્રવ્યવાન્ છે–.”

“ભાઈસાહેબ, હું આપના સંપૂર્ણ વિશ્વાસનું પાત્ર થવા ઈચ્છું છું. હું અપાત્ર નથી. પઈસાથી મને કોઈ ફોડે એમ નથી. મ્હારી ગુપ્ત વાત હું પણ આપને કહું છું. મ્હારા પિતા લક્ષાધિપતિ છે.”

આ વાત અમાત્ય ન માનતો હોય એમ દેખાયો. નવીનચંદ્રને તે જોઈ કાંઈક ખેદ થયો.

“સાબીતીમાં આ મુદ્રા મ્હેં મ્હારી પાસે રાખેલી છે તે જુવો.” હીરાની વીંટી જનોઈચે બાંધેલી અને પંચ્યાંની બેવડમાં કેડે સંતાડેલી બતાવી. બુદ્ધિધને તે હાથમાં લીધી અને જોઈ રહ્યો. સાત આઠ હજારનો હીરો લાગ્યો.

“ભાઈસાહેબ, આપની કેટલીક ગુપ્ત વાતો પણ હું જાણું છું. દુષ્ટ શઠરાયે આપની હત્યા કરવા ધારેલી છે. તે મને ખબર છે. કલાવતીની બાબત હું જાણું છું—” . .

બુદ્ધિધન ચમક્યો, ટટાર થયો, ખભા ઉંચા કર્યા, હાથ ઉંચો કર્યો, મ્હોંડે અરકાડ્યો, આંખો વિકસાવી, કીકીયો ફેરવી-ચ્હડાવી, ભમ્મર ભાંગી, અને મ્હોં પહોળું કર્યું -“ હેં !”

“ભાઈસાહેબ, ચમકશો નહી. એ બધી વાત શી રીતે જાણું તે હું પછી કહીશ. આટલી વાત જાની પણ્ હજી સુધી કોઈને મ્હોંયે - પ્રમાદભાઈને મ્હોંચે પણ – ઓઠ ફરફડ્યો હોય તો ઈશ્વરની આણ છે. હું વાત છાની રાખી શકું છું. આપની છાની વાતનો મ્હેં ગેરઉપયોગ કર્યો નથી - આપના વિશ્વાસને હું પાત્ર છું એ જણાવવા હું આ કહું છું.”