લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮

બુદ્ધિધન વિચારમાં પડ્યો.

“મને આ કામ સોંપતાં આપના મનમાં કાંઈ આશંકા ર્‌હેતી હોય તો હું તે કામ લેવા આતુર છું એમ નથી. હું તો પરદેશી–પ્રવાસી–પંખી છું. આપને અનુકૂળ હોય તો બીજે દેશ અબઘડી, છાનો માનો જતો ર્‌હેવા તૈયાર છું અને આપ મને સોંપો છે તે કામ ગમે તેને સોંપજો.”

“ના, ના. એવું કંઈ નથી. ચાલો, ચાલો. તમે મ્હારા ભાંડુ છો. એ કામ તો તમારે જ માથે પડશે. એટલું સરત રાખજો કે દાંતને જીભ ભળાવવી નથી પડતી. મ્હારાં અમૂલ્ય રત્ન–”

“જી, કાંઈ ચિંતા ન કરો.”

અલકકિશોરી આવી. સઉ દશમી કરવા ગયા. જમાઈપણ દશમીમાં દાખલ થયો. દયાશંકર એક પાટલા પર વાતો કરવા બેઠો. સ્ત્રીવર્ગને હબકાવવો નહી કરી આજ સુધી રાજ્ય ખટપટમાંની કાંઈ પણ વાત તેમની આગળ બુદ્ધિધને કરી ન હતી. આજ જરુર પડી. નવીનચંદ્રને કહ્યું હતું તે જ વાત સઉને કહી – તે જ યોજના પ્રમાણે સઉને આજ્ઞા કરવામાં આવી. સઉ ચમક્યાં, ચિંતામાં પડ્યાં, પણ શોક કરવા વખત ન હતો. જમી લેઈ લુગડાં પ્હે૨વા અમાત્ય શયનગૃહમાં ગયો. પાછળ શોક ભરી સૌભાગ્યદેવી આવી.

“દેવી, આ પેટીમાં કાગળીયાં છે. જે નવીનચંદ્ર જોડે લીલાપુર જવાનો પ્રસંગ આવે તો એ ઉઘાડવી અને કાગળોમાં લખ્યા પ્રમાણે કરવું.”

“પણ આ બધું છે શું ? અચિંત્યુ” ગભરાયલે મ્હોંયે દેવીએ પુછ્યું.

“કંઈ નથી, તમારે ગભરાવું નહી. હું પાછો આવું ત્યાં સુધી દયાશંકરકાકાને આપણે ઘેર રાખજો.”

"તમે મ્હારાથી આવી છાન આજ સુધી રાખતા ન્હોતા ! શું કાંઈ એવો દેાષ મ્હેં કર્યો છે કે મ્હારો ભરોસો નથી પડતો ?” આંંખ ચોળતી દેવી બોલી.

“ના, ના, એ તો સ્હેજ. બધી વાત હું પછી કહીશ. અત્યારે કહેવાનો વખત છે ? આ તો એટલું કે આજ દરબારમાં ખટપટ થવાની અને–”

“હું તમારા મ્હોં ઉપરથી સમજું છું. તમને કાંઈ મ્હોટી બ્હીક લાગે છે.”

બુદ્ધિધન ઉપરથી હસ્યો: “ના, ના, બ્હીક શાની ? શું છે તે કહ્યું જ છે કની ?”