વિચારો કરનારું જુદા જુદા વેશવાળું વિચિત્ર મંડળ ચાલ્યું. રસ્તામાં
શઠરાયના મંડળ સાથે ભેગું થયું. મળી ગયું. મળી ગયા છતાં જુદું
જણાઈ આવ્યું. અને સર્વ મંડળમાં ભળેલો છતાં સર્વથી જુદો, પોતે નવો
હોવાથી સર્વેની અાંખો ખેંચતો હોવા છતાં કોઈથી ન ઓળખાય એવો,
નવીનચંદ્ર નવી સૃષ્ટિ નવી વૃત્તિથી નીરખતો ચાલ્યો.
- “આ એકપાસ ઉતરે શશી અસ્તમાર્ગે,
- “આ ઉગતા રવિતણા જ કુસુંબી પાદ !
- “સંસાર આ અંહિ દ-શાયુગ-અંતરાળે
- “બે તેજના ઉદય-અસ્તથી બાંધી રાખ્યો.” -શાકુંતલ.
રાણા ભૂપસિંહનો રાજમહેલ એક મ્હોટા બગીચાની વચ્ચોવચ હતો અને બગીચાની આસપાસ એક કોટ જેવી
ચારે પાસ ફરતી ભીંત હતી. ભીંતમાં બુરજોનું અનુકરણ હતું અને બધે ઠેકાણે કાંગરા હતાં. ભીંતની ઉંચાઈ દશેક હાથ હતી. ભીંત પર ચ્હડાવેલો ચુનો કેટલેક
ઠેકાણે કાળો થઈ ગરતો હતો, કેટલેક ઠેકાણે પોપડા વળ્યા હતા, અને કેટલેક
ઠેકાણે પાલખી બાંધી કડીયાઓ કામ કરતા હતા. બગીચામાંનાં ઉંચા ઝાડોનાં
લીલા પાંદડાનું વન ભીંતોને ખભે ચ્હડી ડોકીયાં કરતું હતું, અને વચ્ચે વચ્ચે
સુકાઈ ગયેલાં ઝાડોનાં લાકડાં તથા પાંદડાં વિનાની ડાળીયો ખખડતી હતી અને
સાથેનાં લીલાં ઝાડનાં પાંદડાંની સાથે અથડાઈ તેમને પણ ખેરવી દેઈ
પોતાના જેવાં કરવા મથતી હતી. કેટલાક ઉંચા આંબાને મથાળે રાતા મ્હોર બેઠેલા જણાતા હતા અને ઉગતા સૂર્યના પ્રકાશમાં ન્હાતાં નાચતા હતા. લીલા વનમાંથી કુલની ધોળી કળી નીકળે તેમ આ ઝાડોની વચ્ચોવચ મ્હેલના ઉપલા માળ
દીસી આવતા હતા. બાગ અને ચારપાસની ભીંતો કરતાં મ્હેલની સંભાળ વધારે
લેવામાં આવતી હતી. મૂળ બે માળનો મ્હેલ હતો તેમાં ભૂપસિંહના વારામાં
બીજા બે માળ વધારવામાં અાવ્યા હતા અને ઝાડો ઉપરથી તે જ દેખાતા
હતા. પડવાની બ્હીક ઓછી કરવાના હેતુથી બીજા માળ કરતાં ત્રીજા
માળને ઘેર ન્હાનો રાખ્યો હતો અને તેના કરતાં ચોથાને ઓછો રાખ્યો
હતો. ચોથે માળે તો એક જ શયનગૃહનો મ્હોટો ખંડ હતો અને તેને બુદ્ધિ-