પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧

ધનની કલ્પના પ્રમાણે મુંબાઈનો ઘાટ આપ્યો હતો. એ શયનગૃહને ચારે પાસ કાચની તકતીઓ ભીંતને ઠેકાણે હતી. દ્‌હોડ બે હાથેલીથી મ્હોટી તકતી ક્વચિત જ હતી અને સીસમના ઘરમાં બેસારી હતી. કેટલીક તક્તીઓ ચોખંડી, કેટલીક લંબગોળ, અને કેટલીક છપાસાંવાળી એમ જુદા જુદા આકાર હતા.અંદરથી રાતા કસુંબાના પડદા ભરી દીધા હતા અને કેટલીક બારી આગળ એ પડદાઓ ઉઘાડા રાખ્યા હતા. તે કુસુંબાનાં દ્વાર કોઈ ઠેકાણે ત્રિકોણાકાર, અને કોઈક ઠેકાણે ચતુષ્કોણ હતાં. કેટલેક ઠેકાણે કાચ રંગીન પણ હતા. એ આયના મ્હેલ ઉપર સૂર્યનાં કિરણ પડતાં તેનું પ્રતિવચન તીવ્ર થતું અને મ્હેલ બ્હાર–ભીંત બ્હાર-નીચે ઉભેલા જોનારની અાંખ પણ એકદમ તેનું પ્રતિફલ સહી શકતી ન હતી. કન્યાવય ગયા છતાં પણ ઘાટડી ચણીયો પહેરનારી કાઠીયાવાડની કદાવર સ્ત્રીના જેવો રાજમ્હેલનો દેખાવ હતો. ફરતી મ્હોટી ભીંત કાળા પટાવાળા ધોળા ચણીયાના ઘેર જેવી લાગતી હતી. રાતી ભાતવાળી, કરચલીવાળી, લીલીછમ ઘાટડી શરીર ઢાંકી નેફા ઉપર વેરાઈ ર્‌હે તેમ ભીંતના કાંગરાપર ઝાડો દેખાતાં હતાં, અને તેમના શિખરપર લીલો ગોળાકાર રચતી શાખાઓ લીલી ઘાટડીમાં ઢંકાયેલા સ્તનમંડળનો આભાસ ઉત્પન્ન કરતી હતી. સઉને માથે માથાની પેઠે મ્હેલના માળ દેખાતા હતા અને તીવ્ર કટાક્ષ મારતી ચળકતી આંખોની પેઠે કાચગૃહ તેજ મારતું હતું. એ નારીની સેંથીના આગલા છેડા પર બોર મુકયું હોય તેમ કાચગૃહ ઉપર અગ્રભાગે ઉડતો ઉડતો એક પોપટ આવી બેઠો હતો. રંગીન કાચ મ્હોંપરનાં છુંદડાં- ત્રાજવાં - જેવા લાગતા હતા.

આ મ્હેલની અંદર વસ્તી ગમે તેટલી હો પણ સૂર્યના તાપથી સળગતા જતા આકાશ-ઘુમટ નીચે એકાંતે એકલા ઉભેલા આ મ્હેલ ભણી પાસે પાસે આવતો પુરુષ સંઘ આઘેથી ઉંચું જોઈ ચૈત્રના તેજસ્વી પ્રભાતના તડકામાં ક્‌લાંત થતો હતો, સઉનાં મ્હોં રાતાચોળ બનતાં હતાં, પરસેવો વળતો હતો, અંગરખાં ભીનાં થતાં હતાં, અને મહેલ પાસે આવતાં – છાંયડો પાસે આવતાં – પગનું જોર વધતું જતું હતું. તડકામાં રમી રમી ખાવાનો વખત થયે – પેટમાં કુકડાં બોલતાં - રમતીયાળ બાળક સઉ સાથ છોડી ઘરભણી વૃત્તિ કરે અને માને સંભારે તેમ નગર છોડી રાજમહેલ ભણી ધસતું મંડળ દ૨બા૨ના અને રાણાના વિચાર કરવા માંડતું હતું અને ખટપટનાં ભુખ્યાં ચિત્ત ફળ ચાખવા તળેઉપર થતાં હતાં. ઘણી ગાડીયો વચ્ચેથી આગળ નીકળી રાજવાહન ધસે એમ દરબારનો દિવસ હોવાથી આવતા