નિરપેક્ષી કૌતુકવાન સામાન્ય લોકવર્ગના સંઘમાંથી જુદો પડતો અમલદારોનો ન્હાનો પણ સજડાસજડી થતો સંઘ આગળ નીકળી આવતો હતો અને બીજા લોક તેને માર્ગ આપતા હતા.
આવતા સરઘસને સમાસ આપે એવો મ્હોટો ભીંતનો દરવાજો હતો. દરવાજાને બે મ્હોટાં કમાડ જાડાં અને લોખંડનાં ચાપડાથી નીચેથી તે ઠેઠ ઉપર સુધી ચ્હોડી દીધેલાં હતાં. દરવાજાના માથા ઉપર એક મેડી હતી ત્યાં ટકોરખાનાવાળા બેસતા અને રાતદિવસના પ્રહર, દરબારના અવનવા બનાવો, તથા મહિમાવાળા દિવસો, જુદા જુદા રાગની ગર્જના મચાવી મુકી, નગરસુધી જણવતા. આખી ભીંતની જોડે અંદરથી ફરતો સાંકડો ઓટલો હતો તથા બુરજોમાંથી તોપો ગોઠવાય એવી જગા અને કાણાં હતાં. જુદે જુદે ઠેકાણે આ ઓટલાપર ચ્હડવાના અંદરથી દાદર હતા અને દરવાજા પરની મેડીમાંથી ઓટલા પર જવાનાં બારણાં હતાં, મેડીની નીચે કમાડની પાછળ મ્હોટા એ ઓટલા હતા તે ઉપર રાતદિવસ સીપાઈયો સુતા, બેસતા, ગપાટા મારતા, કટાતી તરવારો ઘસી તાજી રાખતા, બંદુકો ગોઠવી મુકતા, અને ચોકી કરતા. આજ તેઓ હારબંધ ઓટલા નીચે દરવાજામાં ખડા થઈ ગયા હતા અને અમલદારો અંદર જાય તેમ તેમ સલામો કરતા હતા. એક બે સવારો અંદરબ્હાર આવજાવ કરતા હતા અને કંઈ કંઈ સૂચનાઓ કરતા હતા.
દરવાજામાં પેઠા એટલે ચારે પાસે ઝાડી જેવી ઝાડની ઘટા અને વચ્ચે વચ્ચે ખરેલાં પાંદડાંથી ભરેલી પગે ચાલવાની સાંકડી નેળો નજરે પડતી હતી. નેળોની આસપાસ કોસનાં વ્હેતાં નિર્મળ પાણી ભરેલી નીકો હતી, તેમાં ચકલીયો અને ખબુતરો ઠેકાણે ઠેકાણે ચાંચો બોળતાં હતાં, ન્હાતાં હતા અને પાંખો ફફડાવતાં હતાં. કોસનો અભિન્ન અવિચ્છિન્ન ચીકા૨શાબ્દ ઝાડોમાંથી આવતો કાને પડતો હતો; અને નેળોમાં ઉભેલા તથા કરતા કામ કરતા માળીયો અને મજુરોનાં અર્ધાં ઉઘાડાં, તરી આવતી રગોથી ભરપુર, અને બળવાન કાળાં ચળકતાં શરીર આસપાસના બાગથી અસંવાદી ન હતાં. આ સ્થળે ઈશ્વરરચના ઉપર માનવોની કારીગરીએ ડ્હાપણ ડાહ્યલાપણું ઘણું ઓછું કર્યું છે અને જુના વખતના સંસ્કારોને સ્મરણમાં રાખવાનો પ્રયત્ન અત્રે ઘસાયો નથીઃ આવા આવા વિચારો મુંબાઈમાં ઉછરેલા મુંબાઈના કૃત્રિમ બાગબગીચાના અનુભવી નવીનચંદ્રને દરવાજામાં પેસતાં થયા. પ્રાચીન પુસ્તકોમાં લખેલા ચીતાર નાટકરૂપે તેની આંખ આગળ ખડા થતા જણાયા. તેના મન ઉપર ગંભીરતાનું પ્રતિબિંબ પડ્યું.