લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩

ચોપાસ; જામફળ, દાડમ, સીતાફળ, રામફળ એવાં એવાં ફળનાં ન્હાનાં મ્હોટાં ઝાડ હતાં. કંઈ કંઈ ઠેકાણે જુદા જુદા રંગનાં ફળ લચી રહ્યાં હતાં. જુદા જુદા રંગનાં અને જુદી જુદી વાસનાવાળાં ફુલ ઘણે ઠેકાણે અાંખ અને નાકને ઈશ્વરપ્રસાદીથી તૃપ્ત કરતાં. કોઈ કોઈ ઠેકાણે પોપટ, મોર, કોયલ, ચકલી, અને ખબુતર ઉડતાં, ફળ ખાતાં અને વેરતાં, અને પાંખના ફફડાટથી તથા તીવ્ર શબ્દથી સાંભળનારનો કાન ભરી મુકતાં. માત્ર આંખને જ ઠારનારી શોભાથી ભરેલા મુંબાઈના બાગની નવીનચંદ્રને દયા આવી. તેનું ગંભીર થયેલું અંતઃકરણ દ્રવવા લાગ્યું. ઉચાં એકાંત ઝાડ, ઉંચે એકલો રહેલ, સર્વને ઢાંકતું તપતું ત્રાંબા-પીત્તળ જેવું થતું આકાશ, અને સર્વેની વચ્ચે ક્ષુદ્ર જંતુ જેવો ડુબેલો પોતે એ જોઈ નવીનચંદ્રનું મન દીનવૃત્તિ અનુભવવા લાગ્યું. દુષ્યન્તે તપોવનમાં અનુભવેલા વિકાર સમજાયા. સમળીની ઉંડી લાંબી ચીસ સાંભળી કાઉપુરે કરેલું વર્ણન સ્મરણમાં આવ્યું. પોતાની સાથનાં ધીમે ધીમે શાંત દેખાતાં ચાલતાં મનુષ્યો પણ આ જડસૃષ્ટિમાં ભળતાં જણાયાં. પોતે એકલો પડ્યો લાગ્યો અને ઘર તથા મુંબાઈમાં ર્‌હેલાં માતાપિતા નવીનચંદ્રના મન અાગળ અાવતાં, કોઈ સાંભળે નહીં એમ મનમાં મ્હોટે સાદે, ગાવા લાગ્યો.

“ઘર તજી ભમું હું દૂર સ્વજન – હીન, ઉર ભરાઈ આવે,
“નહીં ચરણ ઉપડે હુંથી શોકને માર્યે !
“ ધીમી ધીમી શેલ્ટ વહી જતી, ભટકતી વળી પો નદી છન્દે.
“ભમી ભમી મુક્યા નિ:શ્વાસ ત્યાં જ મન મન્દે.
* * * * * * * *
"જઉ ત્યાં, હું આવું વળી અંહી, જઉં ક્યાં ક્યાંક, કંઈ કંઈ જોવા;
“મ્હારી ઠરે ન કંઈ પણ અાંખ, માંડતી રોવા.
“ડસડસી નિરંતર રહ્યું, ભાઈ મુજ ઉર ભમતું ત્હારામાં,
“બધું જોઈ જોઈ રહી રોઈ જાય વહાલામાં !
“તે રહે તુંમાં દિનરાત્ર, રહે તુજ સાથ સદા સંધાઈ,
“દૂર જતું જાય તે તેમ પ્રીતિની દેારી જાય લંબાતી !
“મ્હારા મિત્ર !