લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫

ચાલ્યો ગયો. બુદ્ધિધન તેની પાસે ગયો, શુંડ પર હાથ ફેરવ્યો, અને મ્હાવત સાથે મીઠાશથી વાત કરી હાથીની ખબર પુછી પાછો વળ્યો. અને માતંગરાજ તેની પાછળ જેઈ રહ્યો. નવીનચંદ્ર આ સર્વ જોઈ વિસ્મય પામ્યો અને તર્ક વિતર્ક કરતો કરતો સઉની સાથે મ્હેલમાં પેઠો. મ્હેલમાં પહેલે માળે દરબાર ભરાવાનો હતો. પીત્તળના કઠેરાવાળા પ્હોળા દાદર પર ઉંચી ભરતવાળી શેતરંજી જડી દીધી હતી. હેઠે જોડાનો ઢગલો કરી સઉ મંડળ ઉપર ચ્હડયું. અને દ૨બા૨ના દીવાનખાનામાં ગયું. દ્‌હોડ બે હજાર માણસ માય એવડું મ્હોટું દીવાનખાનું હતું. ઉંચો ઉનનો ગલીચો આખા દીવાનખાનામાં પાથરેલો હતો અને સામીપાસ રાણાનું સોનારુપાએ જડેલું ખુરશીના અાકારનું સિંહાસન હતું. તેને હાથાને ઠેકાણે સિંહ હતા. તેના ઉપર સોનેરી ભરતવાળા રેશમનાં ગાદી તકીયો હતાં. સિંહાસન નીચેથી તે લગભગ અર્ધા દીવાનખાનામાં ઉંચા સોનેરી ભરતવાળો ગલીચો પાથરી દીધો હતો. વિવિધરંગી મ્હોટી બારીયોમાંથી સૂર્યના પ્રકાશનો પ્રવાહ આવતો. તે તેમનાં પીત્તળની જાળીવાળાં ચકચકીત કમાડમાંથી પ્રતિફલિત થઈ આખા દીવાનખાનામાં તેજનો અંબાર ભરતો. બારીયોની સામી પાસ ભીંતે એવા જ રંગ અને આકારની કુત્રિમ બારીયો રાખી હતી. અથવા એવો જ આભાસ આપનાર મ્હોટાં તાકાં-કબાટ–હતાં. ખોટી ખરી બારીયોના ગાળાઓમાં સામાસામી મ્હોટાં નિર્મળ કાચવાળા તકતાઓ ટેબલ જેવી બેસણી પર મુક્યા હતા અને તેમની અાગળ ૨મકડાં, ચીનાઈ વાસણો, અને એવા એવા પદાર્થો મુકેલા હતા. ભીંત પર પણ આસમાની રંગ હતો અને નાટકના પડદા પેઠે તે ચીતરી ક્‌હાડી હતી. છતપર રાતો ચળકતો રંગ, બીલોરી ઝુમરો, હાંડીયો, કાચના ગોળા અને એવા એવા શણગાર હતા. છતની રંગીન કીનારીની અાસપાસ ભીંતપર કીનખાબની ઝુલ કરચલી પાડેલી હતી. નીચે ઉંચે અને આસપાસ જોતાં દીવાનખાનું એક વિશાળ પલંગ જેવું લાગતું હતું. એ પલંગ પર પડતાં માનવીનું મન અંજાઈ જઈ મોહનિદ્રા પામતું, રાજવૈભવનું સ્વપ્ન જોઈ ઘડી વાર પોતાની ખરી સ્થિતિ ભુલી જતું, અને અધિકારેષણા સાથે વધારે વધારે ગાઢ બાથ ભીડતું.

કારભારીયો અને અમલદારો આ દીવાનખાનામાં એકઠા થતાં અહીંયાં ત્યાં ફરવા લાગ્યા, કોઈ બારીયે ઉભા રહ્યા, કોઈ આયનામાં જોવા લાગ્યા, કોઈ ઉંચે નજર કરવા લાગ્યા, કોઈ વાતોમાં ભળવા લાગ્યા, કોઈ દરબારની તૈયારીના કામમાં ગુંથાતા આમતેમ ઉતાવળથી હેરફેર કરવા લાગ્યા, કોઈ ઉભા, કોઈ બેઠા, કોઈ વાટ જુવે છે, કોઈ વિચાર કરે છે, કોઈ