પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮


“દુષ્ટરાય કલાવતીના ખંડમાં કાંઈક તપાસ કરવા પેઠો હતો.” શ્વાસ ન માતાં જયમલશંકરે અમાત્યના કાનમાં કહ્યું.

“શું કરવા?” આતુરતા સંતાડી અમાત્યે પુછયું.

“તે તો કોણ જાણે, પણ અંદર કાંઈક અડપલું કરતો હતો.”

“ક્યાં મ્હેલ વચ્ચોવચ ?” અજાણ્યે બની અમાત્ય આભો બનેલો દેખાઈ બોલ્યો.

“ હા. હા. હું ને નરભેરામભાઈ તે વખત રાણાજી પાસે ઉભા હતા ને નરભેરામભાઈ આજનું ઈંગ્રેજી વર્તમાનપત્ર રાણાજીને વાંચી સંભળાવતા હતા. એટલામાં આ નવાં ઈંગ્રેજી 'ફાશન'નાં પટપટીયાં હવણાં કરાવ્યાં છે તેમાં એમની નજર પડી એટલે વાંચવું છોડી જરીક બાડી આખે જેવા લાગ્યા."

"એટલે ?"

“રાણાજીએ પુછયું કે કેમ બંધ પડ્યા ? શું જુવો છો ?” નરભેરામભાઈ એ 'કંઈ નહી' કહી વાત ઉડાવવા માંડી પણ રાણાજીએ આગ્રહ કર્યો અને પટપટીયાંમાંથી જોયું અને મીજાજ ગયો.”

બુદ્ધિધનના અંતઃકરણમાં અમૃત રેડાયું પણ બ્હારથી જણાવ્યું નહી: “રાણાજી કાંઈ બોલ્યા ?”

“તરવારપર હાથ મુકી ઓઠ પીસી બારણું ઉઘાડવા દેાડ્યા અને આંંખો રાતી ચોળ કરી દીધી.”

"હેં !”

“પછી તો નરભેરામભાઈએ પાસે જઈ રાણાજીને હાથ ઝાલ્યો અને મને ક્‌હાડી મુકી કાનમાં કાંઈક ક્‌હેતા હતા ને હું બહાર આવ્યો.”

વિચારમાં પડી બુદ્ધિધને જયમલને “ઠીક, બેસો” કહ્યું. થોડીવારે પાછો બોલાવ્યો અને કાનમાં કહ્યું.

“જયમલ, ઉપલે માળે જઈ બારીયે ઉભા ર્‌હો અને લીલાપુરને રસ્તેથી ઘોડાગાડી આવતી દેખો એટલે પાછા આવી મને ક્‌હેજો. કોઈને ખબર પાડવાની જરુર નથી.”

“બહુ સારું ” કરી જુવાન સઉની પાછળ થઈ છજામાં ચાલ્યો ગયો. નરભેરામને કાંઈ સમજણ ન પડી – માત્ર જતાની પુંઠ પર નજર નાંખી તે અદ્રશ્ય થતા અમાત્ય સામી ફેરવી કલાવતીને અને તેની આસપાસ પાંખો પેઠે બીજી બે ગણિકાઓ આવી બેઠી હતી તેને બધાની