લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯

પેઠે જોવાં લાગ્યો અને સઉમાં સુંદર કોણ છે તે વિષે શઠરાય અને ક૨વતરાય સાથે ચર્ચામાં પડ્યો.

એટલામાં સિંહાસન પાછળનું દ્વાર ઉઘડ્યું અને “નીઘા ૨ખો મહારાણા-મહારાજાધિરાજ-નીઘા ૨ખો”ની ગર્જનાએ સઉના કાન પર છાપો માર્યો અને કલાવતીને જોવી મુકી દઈ રાણા ભાણી જોતું જોતું સર્વ મંડળ એકદમ વાના ઝપાટા પેઠે ઉભું થયું – આખું દીવાનખાનું જ ઉભું થયું, ઉપર ને આસપાસના કાચમાં અને અંતઃકરણમાં સર્વ ઉભા જ થયા. અને એકદમ બે હજાર માણસ નીચા પડી સલામો કરવા મંડી ગયા. સલામોને વર્ષાદ વર્ષવા લાગ્યો. અગણિત કપાળ ક્ષેત્રો પર તીડની પેઠે હાથ ઉભરાવા લાગ્યા – ઉંચા નીચા થવા લાગયા.

જરીયાનનાં વસ્ત્રો અને હીરામોતીનાં આભૂષણ પ્હેરેલાં, હીરે જડેલી સોનાની મુઠવાળી તરવાર કેડે રાખેલી, કસબી લપેટાવાળા માથાના મંડીલપર હીરાનો મુકુટ ધરેલો, એવો રાણો, દેખાતા પ્રસન્ન મુખથી, દબદબા સાથે, છાતી ક્‌હાડી, અાવ્યો અને શઠરાય ભણી જોઈ હસી સિંહાસન પર બીરાજ્યો. સર્વ મંડળ પણ બેસી ગયું. સિંહાસન પાછળનો ભાગ છડીદારોથી ઉભરાવા લાગ્યો. એ પાસ સોનેરી ચામર ઢોળાવા લાગ્યાં. એક પાસ વિજયસેન રાણાના શારીરરક્ષકને સ્થળે ઉઘાડી તરવારે ઉભો. દરબાર સમયે આમ ર્‌હેવાનો સુવર્ણપુરના રાજમ્હેલનો વહીવટ હતો. બીજી પાસ રણજીત સોનેરી છડી લેઈ ઉભો. અાગળ એક પાસ ઉભો ૨હી એક મ્હોટો પંખો એકજણ ઉરાડવા લાગ્યો. ગુલાબ વગેરે ફુલના મ્હોટા મ્હોટા ગોટા, અત્તરદાનીયો, ગુલાબદાનીયો, સોનારૂપાના વરગવાળાં પાનનાં બીડાં, ઇત્યાદિથી ભરેલા મ્હોટા રુપેરી થાળો વચ્ચોવચ મુકવામાં . આવ્યા. રાણાના શરીર પરના અત્તરાઅદિ સુગંધી પદાર્થો મગમગાટ થવા લાગ્યા. સર્વનાં નેત્ર અને નાક તૃપ્તિ ભોગવવા લાગ્યાં. કાનને તૃપ્ત કરવા પ્રથમ સારંગીયે અને પછી કલાવતીના મધુર ઝીણા કંઠે આરંભ કર્યો.

“ આ આ... ... ... ... ... ... ..."

અને મૃદંગ, સારંગી, અને સતાર ત્રણેનો યોગ્ય ક્રમે ઉપયોગ થયો. વસંત ઉતર્યા જેવો હતો તે પણ રાણાને શોખ હતો તેથી બીજું બધું ગાયું તેમાં દ્વિભાષિક હોરીયો પણ ગાઈ અને અને

“મૈં તો નહી રહુંગી તેરા નગરમેં;
“ધોળે દ્હાડે કીસનજી લુંટે છે અમને !