લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦


એ હોરી ગવાતાં સર્વ સભાનાં અંતઃકરણ આનંદમાં લીન થયાં. ગણિકાના ગાન સાથે અને હાવભાવ સાથે શ્રોતાગણનાં ચિત્ત ચમકતાં હતાં અને દ્રવતાં હતાં. સારંગીનો સંવાદ કરતો ગાનનો સ્વર આખા સભાલયમાં – આખી સભાના અંતઃકરણમાં – લય પામતો હતો અને સતારના તારના રણકારથી સર્વનાં ચિત્ત ભેદાયાં. સર્વ સમાધિસ્થ થયા. છેલ્લું ચરણ આવ્યું.

"જુલમ કરે તેને કોઈ ન પુછે,
"ન્યાય નહી એ નગર મેં ! – ધોળે દ્હાડે ૦ []

એ સ્વર કલાવતીના મુખમાંથી બ્હાર ભાગ્યે નીકળ્યા હશે એટલામાં જયમલ પાછો આવ્યો, બુદ્ધિધનના કાનમાં વાત કરી અને બે મીનીટમાં ઘોડાગાડીના પડઘા સંભળાયા. સર્વની સમાધિ ભાંગી ન ભાંગી થઈ એટલામાં ૨સલસાહેબનો શીરસ્તેદાર રામચંદ્રરાવ સીપાઈ સાથે અંદર દાખલ થયો, ગાન જરીક અટકયું, રામભાઉને સારુ રસ્તો થયો, બુદ્ધિધન સામો લેવા ગયો, શઠરાયે ઉઠી હાથ મેળવ્યા, રાણાએ બેઠાં બેઠાં સલામ સ્વીકારી અને રાણા અને અમાત્યની વચ્ચે રામભાઉ બેઠા.

ઉશ્કેરાયલા જેવો રાણો મુછો મરડતો મનમાં મનન કરતો હતોઃ અકવીય અનુકરણ કરતો હતો.

“તું તો મત રહો મેરા નગરમેં.
“ધોળે દ્‌હાડે, ઓ રંડી, ઠગે છે તું અમને.”

તે મનમાં રામભાઉ આવ્યાથી વિક્ષેપ પડ્યો. રાણાએ સાહેબની પ્રકૃતિના સમાચાર પુછ્યા. શઠરાચે આગમન પ્રયોજન પુછ્યું. રામભાઉએ કહ્યું: “દરબાર પુરો થયા પછી કહીશ, એટલી ઉતાવળ જેવું નથી.” આ વાતો થાય છે તેનો લાભ લેઈ કલાવતી ઉઠી. બેઠી બેઠી ગાયન કરતી હતી તે વેશ બદલવા ગઈ. એટલામાં એક સીપાઈ આવ્યો અને રણજીતના કાનમાં કાંઈ વાત કહી. રણજીત દુષ્ટરાયને ખુણે બોલાવી કહેવા લાગ્યોઃ “ભાઈસાહેબ, માફ કરજો. હું તો નીમકહલાલ છું કે હરામ છું તે મ્હારો ઈશ્વર જાણે છે. પણ અપનો મેરુલો કેવો છે ? તે જાણો છો ?”

“ત્હારા કરતાં બહુ સારો છે.”

“તો, ભાઈસાહેબ, આવો લાગ નહીં મળે. આપને અહીં રોકાયા જાણી ઘરમાં–”


  1. આ હોરી અર્ધી ગુજરાતી અને અર્ધી હિંદુસ્તાની છે. દ્વિભાષિકતા લાડમાં તણાયાનું ચિહ્ન હશે.