પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧


"સાળાં, લુચ્ચા ! જીભ કાપી નાંખીશ.” ભરદરબાર ન હત તો દુષ્ટરાય હાથ ઉગામત.

“ ભાઈસાહેબ, અધઘડીનું કામ છે. ઘેર છાનામાના પધારો અને આંંખવડે ખાતરી કરો. હું જુઠું બોલતો હોઉં તો તમારી તરવાર ને મ્હારું માથું” કહી એક આંખે જોનાર તાકીને જોઈ રહ્યો. દુષ્ટરાય પાછો પોતાને ઠેકાણે ગયો પણ જીવ સ્થિર ન રહ્યો. ધુંવાપુંવા થયો. સંશયમાં હોવું એ માણસને મહાવસમું લાગે છે. બ્હાનું ક્‌હાડી ઘેર જઈ તપાસ કરી જોવી એ તો નક્કી થયું. પણ આજ દરબારમાં હતું એનાથી કાંઈ પણ કામ વધારે જરુરનું નહી ગણાય. ઘરમાં કોઈ અચિંત્યુ માંદું થયું છે તે જઈ બંદાબસ્ત કરી તરત પાછો આવું છું એવું કહી પિતાની રજા લઈ ઉઠ્યો અને ગભરાયેલો ગભરાયલો ઘેર ગયો. ગભરાટમાં કોઈ સીપાઈને સાથે લેવાનું ભુલી ગયો. સીપાઈઓનાં મન દરબારના જોયામણામાં હતાં તેમણે એને જતો દીઠો નહી એટલે એની સાથે જવાનું કોઈએ કહ્યું નહી. એકલો એકલો ગયો.

કલાવતી અંદર ગઈ એટલા વખતમાં બીજી નાયકાઓ ગાતી હતી. કોઈ કોઈ સ્થળે તેમનું ગાન કલાવતી કરતાં ચ્હડતું હતું પણ હજુરીયોએ દ૨બા૨ની માનીતીનું જ ગાન વખાણ્યું. ટપ્પા, ઠુમરી, અને એવા એવા ગાનથી થોડો વખત પ્રજાવર્ગને ૨મણીય થઈ પડ્યો. અને દરબારીયોએ જાણી જોઈ તે પર ધ્યાન ન આપ્યું અને ગરબડાટ મચાવી મુક્યો. મનમાં ખીજવાતી પણ નિરુપાય ગાનારીયો તે સર્વ મનમાં સહન કરી પોતાને પ્રયત્ન વધારતી હતી કે કંઈ કરતાં પણ કોઈ વખતે પણ પોતાની અસર એની મેળે રાણા પર થાય.

બુદ્ધિધને હળવે રહી રામભાઉ પાસેથી સાહેબનો કાગળ માગી લીધો અને વાંચ્યો. શઠરાયે માગ્યો. બુદ્ધિધને રામભાઉને આપ્યો અને કહ્યું કે લાંબે હાથે પહોંચાડો. રાણાએ વચમાંથી માગ્યો, 'લીધો, વાંચ્યો અને શઠરાયને આપ્યો. જોડે બેઠેલા ક૨વતરાયે વાંકાં વળી વાંચ્યો, કરવત૨ાયના જુલમનો ભોગ થઈ પડેલો વાણીયો છુટો છે કે કેદમાં છે, તેના ઘરની શી અવસ્થા છે વગેરે બાબતો જાતે પ્રત્યક્ષ કરવા રામભાઉને મોકલ્યા છે તેને એ કાર્યમાં સઉ વાતની અનુકૂળતા કરી આપવી એવો રાણા પર કાગળ હતો. વાંચી સઉની ગુપચુપ વાતો થવા માંડી. વળી વળી એક બીજાના કાન સઉએ કરડવા માંડ્યા. શઠરાયે કાગળ રામભાઉને પાછો આપ્યો; દુષ્ટરાયને શોધ્યો પણ પાછો આવ્યો ન હતો; નરભેરામ