પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨

પાછળ બેઠો બેઠો ખાનગી થઈ વાતો કરતો હતો. શઠરાયના પેટમાં તેલ રેડાયું તે એ કળી ગયો. અમાત્ય ને નરભેરામની નેત્રપલ્લવી થઈ. શઠરાયે ચારેપાસ ઉંચું નીચું જોવા માંડ્યું. મનનું ધાર્યું કામ કરવતરાયને સોંપાય પણ એ જ ત્હોમતનું પાત્ર એટલે તેમ થાય એમ ન હતું. આખરે નરભો જ જડ્યો. તેને કાનમાં કહ્યું –“ દરબાર થઈ રહે એટલે રાજબાની વાત ઉપાડવી છે તેમાં આ વિવાદ આવ્યું તે દૂર કરવાનું છે. તમે ઉઠો. જઈને જેલર પર ચીઠ્ઠી લખો કે એકદમ વાણીયાને છોડી એને ઘેર રવાને કરે અને પઈસા બઈસા આપી સામદામ કરી ચટણાપાસે જોઈતા જવાબ આપે એવો બંદોબસ્ત કરાવી પાછા આવો એટલે દરબાર પુરો થઈ હશે ને ચટણો ખાતરી કરી લેશે.”

“ચીઠ્ઠી કોની સાથે મોકલું ? જયમલ કરશે એ કામ ?”

“હા.–મોકલો એને. એ આપણું જ માણસ છે. તમે પણ તમારે જવાને ઠેકાણે જજો.” નરભેરામ ચાલ્યો. રામભાઉ ખટપટ ચેતી ગયો. બુદ્ધિધને લીલાપુરમાં નોકરી કરી ત્યાં સુધી એ રામભાઉ એના હાથ નીચે હતો અને એને તથા સદાશિવ પંતને સંબંધ સારો જાણી પોતે પણ એનાપર પ્રીતિ રાખતો. બુદ્ધિધન લીલાપુરથી નીકળ્યો ત્યારે શીરસ્તેદારની જગા સારુ એ ત્રણ ઉમેદવાર હતા પણ જય રામભાઉને જ મળે એમ હતું એટલે બુદ્ધિધને એની ભલામણ કરી. શઠરાય બીજા ઉમેદવાર તરફ હતો અને રામભાઉ હલકી અવસ્થામાં હતો તે વખતે શઠરાયે એની આફીસના માણસોને સત્કા૨ ક૨તાં પંક્તિભેદ કરેલો અને તેમાંથી એને હાડોહાડ ચ્હડી ગયેલી. આથી શઠરાયના પઈસા ખાતાં છતાં પણ વખત આવ્યે જોઈ લેવા એની વૃત્તિ હતી. શઠરાય પઈસા આપતો તે છતાં કાંઈ ઉપકાર ન રાખતાં રામભાઉ એમ ગણતો કે એ તો બુદ્ધિધન કા૨ભારી થશે તો એ પણ આપશે ને ક્યાં મ્હારી ગરજે આપે છે જે ? બુદ્ધિધન રામભાઉને સારી પેઠે ઓળખતો હતો અને પોતે ગરજ બતાવ્યા વિના એને કેમ ગરજાળ કરવો તે સમજતો હતો. રસલસાહેબ સાથે પોતે કરેલા ઓળખાણથી શીરરસ્તેદારના મન ઉપર સત્તા ભોગવતો અને નિ:સ્વાર્થ દેખાઈ તેને સાહેબ પાસે લાભ કરાવી આપવા તત્પર હતો તેથી બે જણની ઠીક ગાંઠ પડી હતી. દક્ષિણી બ્રાહ્મણ ઘણો ચકોર હતો અને નરભેરામ ઉઠ્યો ત્યાંથી જ એને ચટપટી થઈ.

“ કારભારી સાહેબ, દરબાર ચાલે છે એટલામાં હું જરા કાંઈ ખાનગી કામ છે તે જઈ આવું છું. પછી સાહેબની ફરમાશ બજાવી તરત પાછાં ફરવું છે.”